ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ કાલથી એટલેકે ૨જી એપ્રિલના દિવસથી દુનિયાભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાના છે . ડોનાલ્ડ ટ્રમ્પ આવતી કાલને અમેરિકા માટે આઝાદીના દિવસ તરીકે જોઈ રહ્યા છે . ડોનાલ્ડ ટ્રમ્પનો આ ટેરિફ પ્લાન સમગ્ર વિશ્વના શેરબજારોને હલાવી શકે છે. આ માટે ભારત , યુરોપ , જાપાન , ચીનમાં સૌ કોઈના શ્વાસ અધ્ધર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે , ઘણા દેશોએ દસકાઓના દસકાઓ સુધી અમારો ફાયદો ઉઠાવ્યો છે. હવે આ અટકવું જોઈએ . ડોનાલ્ડ ટ્રમ્પ આ રેસિપ્રોકલ ટેરિફ મોટા ભાગના દેશો પર લગાવવાના છે કે જેમની યુએસ સાથે ખુબ મોટા પ્રમાણમાં વ્યાપારી ખાદ્ય એટલેકે , ટ્રેડ ડેફિસિટ છે. તેનો મતલબ એ થાય છે , આ દેશો અમેરિકામાં નિકાસ વધારે કરે છે જયારે અમેરિકાના માલસામાનને પોતાના ત્યાં ઓછી આયાત કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે એપ્રિલની ૨જી તારીખને અમેરિકાના માટે આઝાદીના દિવસ તરીકે જોઈ રહ્યા છે .
હવે સમજીએ કે કેમ અમેરિકા આ દેશોની વ્યાપારી ખાદ્યને ઘટાડવા માટે રેસિપ્રોકલ ટેરીફનો રસ્તો અપનાવી રહ્યું છે. અહીં થોડો ચાઈનાનો સંદર્ભ સમજવો રહ્યો. ચાઈનાએ પોતાની ઈકોનોમી ૧૯૭૮માં ખુલ્લી મૂકી અને ત્યારપછી ૨૦૦૧માં ચાઈનાને WTO એટલેકે , વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઈઝેશનમાં સ્થાન અપાયું . આ પછી ચાઈના સમગ્ર વિશ્વમાં મેનુફેક્ચરિંગ હબ બનીને ઉભર્યું છે એટલેકે , હવે મોટા ભાગની વસ્તુઓ ચાઈનામાં બની રહી છે અને ચાઈના વિશ્વનું સૌથી મોટું નિકાસકર્તા છે . પરંતુ હવે આવી જ રીતે બીજા દેશોએ પણ પ્રગતિ કરી છે , સાઉથ ઈસ્ટ એશિયાના ઘણા અર્થતંત્ર જેમ કે સિંગાપોર , મલેશિયા વગેરે . સાથે જ જાપાન અને સાઉથ કોરિયાએ પ્રગતિ કરી છે . સમય સાથે જે યુએસ દુનિયાનું સૌથી મોટું મેનુફેક્ચરિંગ હબ હતું તે પોતાની જ પોલિસી " ગ્લોબલાઈઝાશન" એટલેકે વૈશ્વિકીકરણના લીધે બીજા દેશોના માલસામાનની આયાત પર નિર્ભર બન્યું . જેમ કે , યુએસમાંથી ઘણી મોટી કંપનીઓના મેનુફેક્ચરિંગ યુનિટ બહાર જતા રહ્યા. યુએસમાં પોતાની જ વસ્તુ મોંઘી બનવા લાગી જયારે નિકાસો ડોલરના કારણે સસ્તી બની . કારણકે સમગ્ર વિશ્વમાં ડોલર એક સર્વમાન્ય ચલણ છે . હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ સમગ્ર પરિસ્થતિઓને બદલવા માંગે છે પોતાના ત્યાં મેનુફેક્ચરિંગને સસ્તું બનાવવા માટે ઉદ્યોગ ધંધાને મજબૂત બનાવવા માંગે છે . આ કારણે તેમણે પોતાના ત્યાં આવતી આયાતો પર ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે.
હવે વાત કરીએ ભારતની તો , વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ભારત અમેરિકન ખેત પેદાશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાડે છે , ત્યારે યુરોપ અમેરિકન દારૂ પર ૫૦ ટકા ટેરિફ લગાડે છે. આ બાદ ડોનાલ્ડ ટ્રમ્પએ યુરોપના દારૂ પર ૨૦૦ ટકા ટેરિફ લગાડવાની ચીમકી ઉચ્ચારી છે. કેનેડા અને જાપાન પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. વાત કરીએ અમેરિકાની તો અમેરિકામાં આ ટેરિફને લઇને શું માહોલ છે . અમેરિકામાં આ ટેરીફથી ત્યાંના મેનુફેક્ચરિંગ સેક્ટરને ફાયદો થઈ શકે છે જેમ કે , હાલમાં જયારે ટ્રમ્પએ અમેરિકામાં બહારથી આવતી ગાડીઓ અને તેના પાર્ટ્સ પર ૨૫ ટકા ટેરિફ લગાડ્યો ત્યારે, તેનો સીધો ફાયદો યુએસની રસ્ટ બેલ્ટને મળી શકે છે. આ રસ્ટ બેલ્ટ અમેરિકામા ન્યુયોર્કની ઉત્તર દિશામાં આવેલી છે અને ત્યાં મોટા ભાગના ઑટોમોબાઇલ મેનુફેક્ચરિંગ કંપનીના હબ આવેલા છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધોનું માનવું છે કે આવા આડેધડ ટેરિફ લગાડવાથી અમેરિકામાં મંદી આવી શકે છે સાથે જ વિશ્વભરમાં ટ્રેડવોર પણ ચાલુ થઈ શકે છે .
તો હવે જોઈએ આવતી કાલે શું થશે .