રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે કોઈ વખત બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે તો રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે અનુમાન લગાડ્યું છે કે આગામી 5 દિવસો સુધી આ તાપમાન યથાવત રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે શિયાળીની શરૂઆત નવેમ્બરના પ્રથમ સપ્તાહથી થઈ શકે છે.
નવેમ્બર મહિનામાં આવશે તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગના અનુમાન અનુસાર નવેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાનું છે. જેને કારણે 4-5 નવેમ્બરથી ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હાલ રાજ્યમાં તાપમાન 32-37 ડિગ્રી વચ્ચે રહે પરંતુ ડિસ્ટર્બન્સ થવાને કારણે તાપમાનનો પારો ઘટી શકે છે. તાપમાન ઘટી 30 ડિગ્રી નજીક પહોંચી શકે છે. નવેમ્બરની શરૂઆત થતાં જ ગુજરાતમાં રેગ્યુલર ઠંડીની શરૂઆત થઈ જશે. આ વખતે 10 દિવસ પહેલા ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે.
ગુજરાતમાં આવશે ઠંડીની લહેર
શિયાળાના સમય દરમિયાન તાપમાન ઘટતા ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થતી હોય છે. તાપમાન ઘટે છે. હિમવર્ષાની સીધી અસર ગુજરાત પર પડે છે. ઉત્તર ભારતના ઠંડા પવન ગુજરાત તરફ આવતા ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. આ વખતે 10 દિવસ પહેલા શિયાળાની શરૂઆત થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે.