શિયાળાની મોસમ ચાલી રહી છે પરંતુ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસાની સિઝન હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ઠંડીનો ચમકારો ઓછો લાગતો હતો પરંતુ ધીરે ધીરે ઠંડીનો ચમકારો રાજ્યમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડિસાનું તાપમાન 14.6 નોંધાયું હતું.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
ગુલાબી ઠંડીનો અહેસાસ ધીરે ધીરે ગુજરાતમાં થઈ રહ્યો છે. ગુજરાતીઓને કડકડતી ઠંડીનો અનુભવ આવનાર દિવસોમાં થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું, ભુજનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી, રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી, અમરેલીનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આવનાર દિવસોમાં વધી શકે છે ઠંડીનો પારો
મહત્વનું છે કે દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ગુજરાતના વાતાવરણ પર તેની અસર પડી રહી છે. ગુજરાતનું તાપમાન ગગડી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહે છે. આવનાર દિવસોમાં આ તાપમાન વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં હાડ થિજવતી ઠંડી થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.