રાજ્યમાં સામૂહિક આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે, સુરત બાદ હવે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામે એક જ પરિવારના ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં પડી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ ચારેયના મૃતદેહોને દાંતીવાડા ડેમમાં ડેમમાથી બહાર કાઢી દીધા છે. આ તમામ મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. એક જ પરિવારના 4 લોકોના મોત મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, 4 લોકોએ અગમ્ય કારણોસર દાંતીવાડા ડેમમાં કૂદીને કરી લીધો આપઘાત કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ઘર કંકાસના કારણે આપઘાત
દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના સાસુ,વહુ, દીકરી અને દીકરાએ સામુહિક રીતે આત્મહત્યા કરી લેતા પંથકમાં હાહાકાર મચી ગયો છે. કોઈના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. મૃતક પરણીતાના ભાઈએ બનેવી અને બહેનનાં સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ અને સસરાના ઘર કંકાસમાં પત્ની, દીકરો, દીકરી અને સાસુએ આત્મહત્યા કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસએ મૃતક પરણીતાના ભાઈ પ્રવીણસિંહ ઠાકોરની ફરિયાદને આધારે પતિ નારણસીંગ ગેનસીંગ ચૌહાણ અને સસરા ગેનસીંગ સ્વરૂપસીંગ ચૌહાણ સામે 306નો ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ લોકોના પરિવારજનો અને પાડોશીઓના નિવેદન લેવાની ગતિવિધી હાથ ધરી છે. આ ચકચારી ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. તેમજ સમગ્ર દાંતીવાડા પંથકમાં શોકની લહેર વ્યાપી જવા પામી છે.