રાજ્યમાં આજે ફરી એક ભીષણ અકસ્માત થતા 4 લોકોના મોત નિપજ્યા છે, ગઈ કાલે ડાંગના સાપુતારા બાદ આજે બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખોરડા ગામ નજીક ડમ્પરે કારને ટક્કર મારતા એક જ પરિવારના ચાર લોકો મોતને ભેટ્યા હતા. મૃતકોમાં બે પુત્રો અને પતિ-પત્નીનો સમાવેશ થાય છે. આ પરિવાર બનાસકાંઠાના વાવનો હોવાનું જાણવા મળ્યું છે, પરિવારના સભ્યો ઉઝાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. એક જ પરિવારના ચાર લોકોના કમકમાટી ભર્યા મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા
થરાદ-ડીસા હાઇવે પર ખોરડા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ઘડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ ઘટના એટલી ભયંકર હતી કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ગઈ કાલે સાપુતારા ઘાટ નજીક થયો હતો અકસ્માત
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. લાકડા ભરેલી ટ્રક ત્યાથી પસાર થઈ રહેલી કાર પર પલટી મારી જતા ચાર લોકોના મોત થયા હતા. જેમાં એક પુરુષ, બે મહિલા તેમજ ત્રણ વર્ષીય બાળકનો સમાવેશ થાય છે.