ભારતમાં લક્ઝરી કાર ખરીદનારા ગ્રાહકની સરેરાશ વય 24થી 36 વર્ષ હોય છે.
મર્સિડિઝે ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 28 ટકા વધારે કાર વેચી
આ વર્ષના પ્રથમ નવ મહિનામાં દેશમાં 25,000 થી વધારે લક્ઝરી કાર વેચાઈ
ભારતીયોને અડધા કરોડથી લઈને અઢી કરોડ સુધીમાં મળતી લક્ઝરી કાર ખરીદવાનો શોખ લાગ્યો છે. ધનાઢ્ય વર્ગના યુવાનો સતત નવી કાર પસંદ કરતા હોવાથી દેશમાં લક્ઝરી કારના વેચાણમાં તેજી આવી છે અને 2022માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં દર કલાકે ચાર લક્ઝરી કાર વેચાઈ છે. આગામી વર્ષોમાં પણ મોંઘી કારની ડિમાન્ડ વધવાની શક્યતા છે.
Audi, મર્સિડિઝ સહિતની લક્ઝરી કાર ઉત્પાદકોને ભારતમાં મોટો બિઝનેસ મળ્યો.
ભારતમાં એક સમયે એવું માનવામાં આવતું હતું કે લક્ઝરી કાર (Luxury Car) બહુ ઓછા લોકો ખરીદી શકશે અને આ દેશમાં માત્ર સસ્તી સ્મોલ કાર જ ચાલશે, પરંતુ આ અંદાજ ખોટો પડ્યો છે. 2022ના પ્રથમ નવ મહિનામાં ભારતમાં મોંઘીદાટ લક્ઝરી કારના વેચાણના આંકડા આશ્ચર્યજનક છે. એક ગણતરી પ્રમાણે આ વર્ષના નવ મહિનામાં દર કલાકે ચાર લક્ઝરી કારનું વેચાણ થયું છે. ભારતના ધનાઢ્ય લોકો થોડા થોડા વર્ષે કાર બદલતા રહે છે અને લક્ઝરી કારની આદત પડ્યા પછી તેઓ હંમેશા નવા અને મોંઘા વર્ઝન પસંદ કરે છે. તેના કારણે દેશમાં Audi, BMW, મર્સિડિઝ (Mercedes) સહિતની લક્ઝરી કારના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે.
નવ મહિનામાં 25,000 લક્ઝરી કાર વેચાઈ
ઓટો ઈન્ડસ્ટ્રીના સિનિયર એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું કે ઘણા લોકોની ખર્ચપાત્ર આવક વધી છે જેના કારણે તેઓ લક્ઝરી કાર પાછળ નાણાં વાપરી રહ્યા છે. આ વર્ષના પ્રથમ નવ મહિનામાં દેશમાં 25,000 થી વધારે લક્ઝરી કાર વેચાઈ હતી. ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં તેમાં 32 ટકા વધારો થયો છે. એટલું જ નહીં અઢી કરોડથી વધારે કિંમતની સુપર લક્ઝરી કારની માંગતો અત્યંત વધી છે. ચાલુ વર્ષમાં 2.5 કરોડથી વધારે કિંમતની 650 કાર વેચાય તેવી શક્યતા છે.
લોકો કેવી કાર ખરીદે છે?
હાલમાં ભારતમાં કારની પસંદગીમાં પણ ઘણી વિવિધતા આવી છે. તેના કારણે લોકો સ્પોર્ટ્સ કાર, ઈલેક્ટ્રિક વ્હિકલ અથવા લક્ઝરી સલૂન તરફ વળ્યા છે. ચાલુ વર્ષમાં Mercedes Benzએ તેની લેટેસ્ટ EV EQSનું વેચાણ કર્યું હતું જ્યારે લેમ્બોર્ગિની (Lamborghini) તેની SUV Urus માટે બૂકિંગ કરી રહી છે. મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયાએ જણાવ્યું કે તેની પાસે 7000 કારના પ્રિ-ઓર્ડર છે. સપ્ટેમ્બર 2022 સુધીમાં તેમણે 11,456 લક્ઝરી કાર વેચી છે. ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં કંપનીએ 28 ટકા વધારે કાર વેચી છે. 2018માં આખા વર્ષમાં મર્સિડિઝે 15,538 યુનિટ વેચ્યા હતા.
યુવા લોકો વધુ લક્ઝરી કાર ખરીદે છે
ભારતમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં લક્ઝરી કાર ખરીદનારા ગ્રાહકની સરેરાશ ઉંમર ઘટી છે. એટલે કે યુવાનો આ કાર વધારે ખરીદે છે. ભારતમાં લક્ઝરી કાર ખરીદનારા ગ્રાહકની સરેરાશ વય 24થી 36 વર્ષ હોય છે. મર્સિડિઝની EQSની કિંમત 1.55 કરોડથી વધારે છે અને તેના માટે 300 કન્ફર્મ બૂકિંગ મળી ગયા છે. Audi Indiaએ પણ કારના વેચાણમાં તેજી જોઈ છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2009 દરમિયાન ઓડીનો ગ્રોથ 29 ટકા હતો અને 2947 કાર વેચાઈ હતી.