પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને Cipher કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાને તેમના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા ફટકારી છે. ઈમરાન ખાન હાલ રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે અને આ જેલમાં જ તેમને ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના આ ચુકાદાને ઈમરાન ખાન માટે મોટો ઝટકો માનવામા આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ઈમરાન ખાન પર આવા 150થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.
ઈમરાનની રાજનિતી પર પૂર્ણવિરામ
ઈમરાન ખાનને સજા ફટકારવામાં આવ્યા બાદ હવે તેમની રાજનિતી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે હજું તેમની પાસે આ ચુકાદાને હાઈકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ છે. ઈમરાન ખાન પાકિસ્તાનમાં યોજાનારી પાર્લામેન્ટની ચૂંટણી લડવા ઈચ્છતા હતા પણ હવે તેમના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું છે. પીટીઆઈના બંને અગ્રણી નેતાઓને 10-10 વર્ષની સજા બાદ હવે સામાન્ય ચૂંટણી લડવાનો માર્ગ બંધ થઈ ગયો છે.
શું છે Cipher કેસ?
ઈમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશી સામે Cipherનો આ કેસ રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડાયેલો છે. ઈમરાન ખાન પર અત્યંત ગુપ્ત જાણકારી (Top Secret) નો ઉપયોગ પોતાના અંગત હિતો સાધવા માટે કરાયાનો આરોપ છે. સત્તામાં ફારેગ થયા બાદ ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે તેમને બરતરફ કરવા પાછળ અમેરિકાનો હાથ છે. તે માટે ઈમરાન ખાને કહ્યું હતું કે વોશિંગ્ટન સ્થિત પાક એમ્બેસીએ તેમને એક કેબલ (ટેપ કે ગુપ્ત જાણકારી) મોકલ્યો હતો. ઈમરાન ખાને તેમના રાજકિય ફાયદા માટે એક વિવાદાસ્પદ વાતચીતને જાહેર કરી દીધી હતી. તેને ‘Cipher’કહેવામાં આવે છે.