વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ થોડા સમય પહેલા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે સમયથી રાહ જોવાઈ રહી હતી જ્યારે તે કેસરિયો ધારણ કરે. આજે પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ તેમજ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે. સી.આર.પાટીલે બે પૂર્વ ધારાસભ્યનું સ્વાગત કર્યું છે. બે પૂર્વ ધારાસભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા જોડાયા છે.
સી.આર.પાટીલે કર્યું પૂર્વ ધારાસભ્યનું વેલકમ!
ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પોતાનો પક્ષ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા હોય છે. જ્યારે કોઈ ધારાસભ્ય, નેતા કે કોઈ કાર્યકર પાર્ટીમાંથી રાજીનામું આપે ત્યારે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે તે થોડા સમયમાં તે ભાજપમાં જોડાઈ જશે. તાજેતરમાં અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું દીધું હતું તે સમયે લાગતું હતું કે બસ થોડા સમયમાં જ ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. અને આજે ફરી એક વખત ભાજપમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી તેમજ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ ગયા છે. સી.આર.પાટીલે તેમનું ભાજપમાં ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.