લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવા પાછળ કામ કરતી હોય છે પરંતુ કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલા ભંગાણ પડતું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક બાદ એેક કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ગુજરાતમાં પણ કોંગ્રેસની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. ગઈકાલે તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને આજે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ છોડ્યો કોંગ્રસનો હાથ!
કોંગ્રેસમાં એક સાંધો ત્યારે તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં અનેક વખત ભંગાણ જોવા મળતું હોય છે. ગઈકાલે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ભાજપમાં જોડાયા હતા. થોડા દિવસો પહેલા ધારાસભ્ય પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હતું અને ગઈકાલે તેમણે સી.આર.પાટીલની તેમજ ઋષિકેશ પટેલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. એક તરફ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસને છોડવાની જાહેરાત કરી.
અશોક ચવ્હાણ આજે જોડાઈ શકે છે ભાજપમાં!
કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરાતા જ એવી અટકળો ચાલી રહી હતી કે ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં ક્યારે જોડાય છે તેની જ રાહ જોવાતી હોય તેવું લાગતું હતું,. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્રના ડે.સીએમ દેવેન્દ્ર ફડનવીસ તેમનું ભાજપમાં સ્વાગત કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પાર્ટીને અલવિદા કહી દીધું હતું.