ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપને અલવિદા કહી દીધું છે. ટિકિટ ફાળવણીને લઈ ચાલતી નકારાત્મક વાતોને લઈ તેમણે રાજીનામું આપી દીધું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સિદ્ધપુર બેઠક માટે તેઓ સેન્સ આપવા ગયા હતા. તેમની અને અશોક ગેહલોતની મુલાકાત બાદ અનેક અટકળોએ વહેતી થઈ હતી. નકારાત્મક વાતો શરૂ થતા તેમણે પાર્ટીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
થોડા સમય પહેલા અશોક ગેહલોત સાથે કરી હતી મુલાકાત
કોંગ્રેસનો પ્રચાર કરવા જ્યારે અશોક ગેહલોક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં તેમણે ગેહલોત સાથે બંધબારણે બેઠક કરી હતી. જે બાદ એવી અટકળો ઉભી થઈ કે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ આ વાતનો વ્યાસે ઈન્કાર કર્યો. મુલાકાત અંગે તેમણે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે નર્મદા પાણીના વ્યવસ્થાપનને લઈ તેમણે ગેહલોત સાથે મુલાકાત કરી હતી.
આપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું
જયનારાયણ વ્યાસે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જયનારાયણ વ્યાસને લઈ ચાલતા અટકળો પ્રમાણે તેઓ ટૂંક સમયમાં આપનો ખેસ ધારણ કરી શકે છે. હાલ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમની હાજરીમાં આપમાં તેઓ જોડાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે રાજીનામું આપ્યા બાદ તેઓ કોઈ પાર્ટીમાં જાય છે કે નહિં તે આવનાર સમયમાં ખબર પડી જશે.