હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. 27 એપ્રિલથી પહેલી મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભર ઉનાળે વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતિત થયા છે. આકાશમાંથી વરસતા છાંટા ધરતીપુત્રને રડાવી રહ્યા છે.
આ જગ્યાઓ પર વરસવાનો છે કમોસમી વરસાદ!
27 એપ્રિલે બનાસકાંઠા, અરવલ્લી,સાબરકાંઠા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, મોરબી તેમજ કચ્છ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 28 એપ્રિલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,ભાવનગર, મોરબી, બોટાદ સહિત અનેક જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે. 30 એપ્રિલે અરવલ્લી. મહિસાગર, રાજકોટ, બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર માટે કમોસમી વરસાદની આગાહી કરી છે.
ધરતીપુત્રોમાં વધી ચિંતા!
ઉલ્લેખનિય છે કે ઘણા સમયથી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે ખેતરમાં થયેલો પાક બળી જાય છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.