ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ વિવિધ જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર તથા સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, ભાવનગર સહિતના વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.
અનેક વિસ્તારોમાં આજે પણ ખાબકી શકે છે વરસાદ
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે તો કોઈ જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉનાળા દરમિયાન થઈ રહેલા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગઈકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગઈ કાલે પણ વરસ્યો હતો ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, ભાવનગર, અમરેલી, દ્વારતા સહિત બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ગઈકાલે વરસેલા વરસાદે અનેક જગ્યાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી હતી. ગઈકાલે ભાવનગર, જામનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અનેક જગ્યાઓ પર તો બપોરથી જ વરસાદ વરસી રહ્યો હતો જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું.
ખેડૂતોની સ્થિતિ બની રહી છે દયનિય
માવઠાને કારણે સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે. અનેક જગ્યાઓ પર ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે પાકને નુકસાન થયું છે. ઉનાળા દરમિયાન થતા પાકો બગડી ગયા છે જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. ત્યારે આ કમોસમી વરસાદ બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.