હોળી પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટીની ઉજવણી કરવા વિદેશથી પણ લોકો ભારત આવતા હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં વિદેશી મહેમાનોનું અપમાન કરવામાં આવતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં હોળીની ઉજવણી દરમિયાન જાપાની યુવતી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
હોળી રમતી વખતે વિદેશી મહિલા સાથે થયું હતું ગેરવર્તન
હોળીના તહેવારમાં અનેક વખત છેડતીનો બનાવ સામે આવતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં હોળીની ઉજવણી દરમિયાન વિદેશી મહિલાની છેડતી કરવામાં આવી રહી છે. આ ઘટના દિલ્હીના પહાડગંજની હોવાનું માનવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક જાપાની યુવતી સાથે ઘણા છોકરાઓ રોડ પર ખરાબ વ્યવહાર કરતા નજરે પડે છે. રંગ લગાવવાને બહાને યુવતીને હેરાન કરવામાં આવે છે. તેની સાથે બળજબરી કરવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વીડિયો વાયરલ થતાં લોકોમાં ભભૂકી ઉઠ્યો રોષ
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક છોકરાઓ અયોગ્ય રીતે છોકરીને કલર લગાવી રહ્યા છે. ઉપરાંત હોલી હૈ ની બૂમો પણ પાડી રહ્યા છે. ઉજવણીના બહાને જાપાનની યુવતી પર ઈંડું તોડી નાખવામાં આવે છે. છોકરાઓ યુવતીને ખરાબ રીતે પકડીને રાખે છે. આ બધા વચ્ચે અન્ય એક છોકરો આવીને છોકરીને કસીને પકડી લે છે અને તે બાદ છોકરી પર સ્પ્રે નાખવામાં આવે છે. પોતાને છોડવાનો પ્રયત્ન ઘણી વખત યુવતી કરી રહી છે પરંતુ તેને છોકરાઓ જવા નથી દેતા.
પોલીસે કરી ત્રણ છોકરાઓની ધરપકડ
આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે પોલીસે નિવેદન આપ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી મળી છે. પોલીસ દ્વારા યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહીના ભાગરૂપે ત્રણ છોકરાઓની ધરપકડ કરી લીધી છે. ત્રણેય છોકરાઓ પહાડગંજ નજીક આવેલા વિસ્તારના રહેવાસી છે. આગળની કાયદેસરની કાર્યવાહી યોગ્યતાના આધારે અને છોકરીની ફરિયાદના આધારે આગળ શું કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે.