પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એ માનગઢ વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં 1500 જેટલા આદિવાસી લોકો અંગ્રેજોની ગોળીએ વિંધાઈ ગયા હતા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આદિવાસીઓના આસ્થા કેન્દ્ર માનગઢ હિલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ 3 રાજ્યોના મુખ્યમંત્રીને એટલા માટે બોલાવ્યા હતા કારણ કે માનગઢ હિલ જે વિસ્તારમાં છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણેય રાજ્યની સરહદ છે.
માનગઢ હિલ રાષ્ટ્રીય સ્મારક ના જાહેર કરાયું
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાષણ આપ્યું હતું. ચર્ચાઓ ચાલી રહી હતી કે માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવશે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર નહોતું કર્યું.
માનગઢ હિલ કેમ આદિવાસીઓ માટે ખાસ?
વર્ષ 1913માં ગોવિંદ ગુરુ નામના સમાજ સુધારકની આગેવાનીમાં હજારો આદિવાસીઓ માનગઢ હિલ ખાતે પહોંચ્યા હતા. અંગ્રેજોએ તમામને માનગઢ હિલ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો હતો પરંતુ ગોવિંદ ગુરુએ માનગઢ ખાતેની ધૂણી ખાલી કરવાની ના પાડી દીધી હતી. કાર્યવાહીના ભાગરૂપે અંગ્રેજોએ નિર્દોષ આદિવાસીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો જેમાં 1500થી વધુ આદિવાસીઓનો નરસંહાર થયો હતો.