દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કેસના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ 6 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા ત્યારે આજે પણ કોરોના સંક્રમિતોનો આંકડો 6 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6155 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 11 જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા 31 હજારને પાર પહોંચી ગઈ છે.
6 હજારથી વધુ નોંધાયા કોરોના કેસ
કોરોના સંક્રમિતોનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી આંકડો 6 હજારને પાર નોંધાઈ રહ્યો છે. ગુરૂવારે કોરોના સંક્રમિતોનો આંકડો 6050 નોંધાયો હતો જ્યારે શુક્રવારે કોરોનાનો આંકડો 6155 નોંધાયો છે. કોરોનાને કારણે મોત થતાં હોવાનો આંકડો પણ ડરાવનારો છે. 11 જેટલા લોકોના મોત કોરોના સંક્રમિત હોવાને કારણે થયા છે. છેલ્લા 24 કલાકમાં 3253 લોકોએ કોરોનાને માત આપી છે.
મનસુખ માંડવિયાએ કરી હતી બેઠક
ઓમિક્રોનને કારણે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટને કારણે વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આ વેરિયન્ટને કારણે કોરોના બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે.વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે મનસુખ માંડિવાયાએ આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. મહત્વનું છે સમગ્ર દેશમાં કોરોનાને લઈ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવવાનું છે. આરોગ્ય મંત્રીએ બધાને સતર્ક રહેવા અપીલ કરી છે. ઉપરાંત ટેસ્ટિંગ વધારવાની માગ કરી છે.