ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યો હોળીના રંગે રંગાયા છે. વિધાનસભા પરિસરમાં લોકનૃત્યની ઝાંખી જોવા મળી હતી. વિધાનસભા સત્ર પહેલા ધારાસભ્યોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. હોળીની ઉજવણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કેતન ઈનામદાર, હાર્દિક પટેલ સહિત અનેક ધારાસભ્યોએ ભાગ લીધો હતો.
હર્ષ સંઘવીએ ધામધૂમથી કરી ધૂળેટીની ઉજવણી
વિધાનસભામાં ધૂળેટીની ઉજવણી કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 100 કિલો જેટલો કેસુડો મંગાવવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની પરવાનગી બાદ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટી પર્વની ઉજવણીમાં હર્ષ સંઘવીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ખભે ચઢી પિચકારી મારી રહ્યા હતા. તે ઉપરાંત જીતુ વાઘાણી લાઠી નૃત્ય કરી રહેલા કલાકારો સાથે નૃત્ય કરતા દેખાયા.
હાર્દિક પટેલે કોંગ્રેસને લઈ આપ્યું નિવેદન
ધૂળેટીની ઉજવણી દરમિયાન ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે આ રંગોત્સવમાં ભાગ ન લઈને હોળી સંસ્કૃતિનો વિરોધ કર્યો છે. કેસુડાનો રંગ કેસરિયો હોવાથી કોંગ્રેસે ધૂળેટીની ઉજવણીમાં ભાગ નથી લીધો.