લોકસભાની ચુંટણી તો જાહેર થઈ ગઈ છે પણ ગુજરાતમાં અનેક બેઠકો હજી પણ એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ નથી થયું. કારણ કે ભાજપ અને કોંગ્રેસનું અમુક બેઠકો પર કોકડું ગુંચવાયેલુ છે. ભાજપે ચાર બેઠકો માટે ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. એમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તે અંગેની ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અમરેલીથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
ગુજરાતની 7થી 8 બેઠકો માટે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાત 7 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે તેમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે તો ઉમેદવારી જ પરત ખેંચી છે. આ કફોડી સ્થિતી વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ ત્રીજી યાદી જાહેર કરી શકે છે જેમાં ગુજરાત કોંગ્રસેના વધુ સાત ઉમેદવારના નામોનું એલાન થઈ શકે છે તેવી શક્યતા છે. સંભવિત ઉમેદવારોને હાઈકમાન્ડે ફોન કરીને જાણ પણ કરી દીધી છે. જેમાં એક રાજકોટ બેઠક પણ છે જ્યાં જંગ જામશે કારણ કે ભાજપે રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાને ટિકીટ આપી છે.
પરેશભાઈ બની શકે છે અમરેલીથી ઉમેદવાર
ભાજપના ઉમેદવારને જોતા કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાટીદાર યુવા ચહેરો અને પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું મન બનાવ્યુ છે. જમાવટની ટીમે જ્યારે પરેશભાઈને ફોન કરીને એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડયો નથી. એટલે આ સસ્પેન્સ હજી સુધી બરકરાર રહ્યું છે કે શું સાચે તેમના નામ પર મહોર લાગી છે? પરેશભાઈ માટે એવું માનવામાં આવતું હતું કે તેમને અમરેલી બેઠક પરથી ટિકીટ આપવામાં આવી શકે છે.
22 વર્ષ બાદ આમને સામને આવી શકે છે બે પાટીદાર નેતાઓ!
આ જંગ કેમ રસપ્રદ રેહવાની છે એની વાત કરીએ તો 22 વર્ષ બાદ રાજકોટમાં પરુષોત્તમ રુપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે. આની પહેલા જ્યારે બંને વચ્ચે જંગ જામ્યો હતો તે ચૂંટણી વિધાનસભાની હતી ત્યારે હવે આ વખતે લોકસભાની ચૂંટણી છે. વર્ષ 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને ૧૬ હજાર મતોથી હરાવ્યા હતાં. એટલે ફરી આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની છે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. અને અહિયાં હવે પાટીદારો કોને પસંદ કરે છે એ જોવાનું છે
રાજકોટ બેઠક માટે કોના કોના નામોની થઈ રહી છે ચર્ચા?
કોંગ્રેસની વાત કરી તો પુરુષોત્તમ રૂપાલાની સામે 2-3 નામની ચર્ચાઓ થતી હતી પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામ હતા જોકે બે દિવસ પહેલા ચિત્ર અલગ હતું બે દિવસ પહેલા રાજકોટ બેઠક પરથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાએ ટિકિટની માંગણી કરી હતી એટલે એમનું નામ પણ આ રેસમાં હતું હવે કોંગ્રેસ યાદી જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થાય. તમને શું લાગે છે કોને મળશે ટિકીટ? એવી પણ માહિતી સામે આવી રહી છે કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને હાઈકમાન્ડ તેમને મનાવાની કોશિશ કરી રહી છે.