ભાજપે હજી સુધી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. પાર્ટીના વરિષ્ટ નેતાઓ પોતાના માણસોને ટિકિટ મળે તે માટે ભલામણ પણ કરતા હોય છે. ત્યારે પાર્ટીના વરિષ્ટ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પાર્ટી સમક્ષ એવી માગ રાખી જેને જોઈ તમામ નેતા સ્તબ્ધ થઈ ગયા. વજુભાઈએ પોતાના સેક્રેટરી માટે ટિકિટની માગ કરી છે.
પોતાના સેક્રેટરી માટે માગી ટિકિટ
ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર છે. કોને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. ત્યારે ભાજપના વરિષ્ટ નેતા વજુભાઈ વાળાએ પોતાના પર્સનલ સેક્રેટરીના નામની રજૂઆત કરી છે. રાજકોટની ટિકિટ માટે તેજસ ભટ્ટીના નામની ભલામણ કરવા તેઓ પહોંચ્યા હતા. તેમની રજૂઆતને જોઈ પાર્ટીના અનેક નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
ટિકિટ ફાળવણી દરમિયાન નેતાઓ થઈ શકે છે નારાજ
વજુભાઈ વાળાએ પોતાની વાત કમલમમાં તો વ્યક્ત કરી પરંતુ તેઓ આ વાતની રજુઆત કરવા સી.આર.પાટીલના ઘરે પણ પહોંચ્યા હતા. નેતાઓ દ્વારા કરવામાં આવતી આવી માગને કારણે પાર્ટીની ચિંતામાં વધારો થઈ શકે છે. કારણ કે આ સમયે કોઈ પણ નેતાને નારાજ ન કરી શકાય ઉપરાંત દરેક લોકોને ટિકિટ પણ આપી ન શકાય. ત્યારે પાર્ટી કયા ઉમેદવારને ટિકિટ આપે છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જશે.