દરેક પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખતી હોય છે. સમગ્ર ભારતમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચંદ્રના દર્શન થયા પછી આ વ્રતને ખોલવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કરવા ચોથની પાછળ રહેલી કથા વિશે.
શા માટે રાખવામાં આવે છે કરવા ચોથનું વ્રત
અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે આ વ્રત રાખતી હોય છે. જે ચંદ્રનાં દર્શન કરીને અર્ઘ્ય આપવામાં આવશે. આ વખતે આ વ્રત ગુરૂવારના રોજ હોવાને કારણે તેનો મહિમાં વિશેષ થઈ જાય છે. આજે ચંદ્ર પોતાની રાખીમાં હોવાથી આ સંકેતના શુભ માનવામાં આવે છે.
વ્રતની પાછળ રહેલી પ્રચલિત દંતકથા
આ વ્રતની પાછળ અનેક પ્રચલિત દંતકથાઓ રહેલી છે. એક દંતકથા પ્રમાણે આ વ્રતની શરૂઆત સાવિત્રી દ્વારા કરવામાં આવી હતી. પોતાના પતિના પ્રાણ તેમણે યમરાજાથી બચાવ્યા હતા. બીજી પ્રચલિત કથા અનુસાર આ કથામાં દ્રૌપદીનો ઉલ્લેખ મળે છે. વનવાસના દરમિયાન જ્યારે અર્જુન નીલગિરિના પર્વત પર તપસ્યા કરવા ગયા હતા ત્યારે અર્જૂન સલામત રીતે પાછા ફરે તે માટે દ્રૌપદીજીએ આ વ્રત રાખ્યું હતું. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ પણ ભગવાન શંકર માટે આ વ્રત રાખ્યું છે.
વધુ એક પ્રચલિત કથા અનુસાર આ વ્રતની શરૂઆત બ્રહ્માજીના કહેવાથી થઈ હતી. ઈન્દ્રાણીએ પોતાના પતિ દેવરાજ ઈન્દ્ર માટે આ વ્રત રાખ્યું હતું. જ્યારે દેવતા અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તે વખતે દેવતાઓએ વિચાર્યું કે તેઓ રાક્ષસો દ્વારા પરાજિત થશે. આવી સ્થિતિમાં દેવતાઓ બ્રહ્મા પાસે આવ્યા અને તેમણે આ વ્રત રાખવાની સલાહ ઈન્દ્રાણીને આપી.
પછી બ્રહ્માજીએ દેવતાઓને ઉપાય સમજાવ્યો અને કહ્યું કે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથ છે. આવી સ્થિતિમાં જો તમામ દેવી-દેવતાઓની પત્નીઓ કરવા ચોથનું વ્રત રાખે છે તો તેમને શાશ્વત સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્માના કહેવાથી તમામ દેવતાઓની પત્નીઓએ ઉપવાસ કર્યો. પરિણામે, દેવતાઓએ દાનવો પર વિજય મેળવ્યો.
કરવા ચોથ અને ચંદ્રનો વિશેષ નાતો
કરવા ચોથના દિવસે ચંદ્રને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ચંદ્રની પૂજા પછી જ આ પૂજા પૂર્ણ થઈ ગણાય. કારણ કે ચંદ્રને ઔષધિઓનો સ્વામી માનવામાં આવે છે. તેમના પ્રકાશથી અમૃતની પ્રાપ્તિ થાય છે. પુરાણો મુજબ ચંદ્ર પ્રેમ અને પતિ ધર્મનું પણ પ્રતીક છે, તેથી સુહાગન પતિના લાંબા આયુષ્ય અને વિવાહિત જીવનમાં પ્રેમની ઇચ્છા સાથે ચંદ્રની પૂજા કરે છે. આ વખતે ચંદ્રોદયનો સમય આ પ્રમાણે છે - દિલ્હીમાં 8.09 કલાકે, અમદાવાદમાં 8.41 કલાકે, મુંબઈમાં 8.48 કલાકે તેમજ લખનઉ 7.48 કલાકે ચંદ્રોદય થવાનો છે.