દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. અનેક રાજ્યો એવા છે જ્યાં મેઘમહેર મેહકહેર બની રહી છે. થોડા સમય દરમિયાન પડેલા વરસાદને કારણે અનેક રાજ્યોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ માટે લોકો તરસી રહ્યા છે. ઉત્તરભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા તો બીજી તરફ દક્ષિણભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ ન થવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વરસાદ ન પડવાને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં નથી પહોંચ્યું ચોમાસુ!
અસહ્ય ગરમી બાદ ચોમાસાની કાગડોળે લોકો રાહ જોતા હોય છે, તેમાં પણ ખેડૂતો માટે ચોમાસાની સિઝનનું મહત્ત્વનું રહેલું હોય છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે પરંતુ એવા અનેક રાજ્યો છે જ્યાં વરસાદનો એક છાંટો પણ નથી પડ્યો. અવિરત વરસતા વરસાદને કારણે ચોમાસાની કમી તો પૂરી થઈ રહી છે પરંતુ અનેક રાજ્યો મેઘરાજાની પધરામણી માટે રાહ જોઈ રહ્યા છે. તેલંગાણા, કેરલ સહિત દક્ષિણ ભારતના રાજ્યો ઈન્દ્રદેવ પ્રસન્ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ રાજ્યો એવા છે જ્યાં ચોમાસાએ જોર નથી પકડ્યું. 12 રાજ્યો એવા છે જ્યાં વરસાદનું આગમન ઓછું થયું છે.
ખેડૂતો વરસાદ માટે જોઈ રહ્યા છે રાહ!
એક તરફ ઉત્તર ભારતમાં આફતનો વરસાદ વરસી રહ્યો છે, ઓછા સમયમાં પડેલો વરસાદ અનેક રેકોર્ડ તોડી રહ્યો છે. પરંતુ ભારત દેશના જ અનેક એવા રાજ્યો છે જ્યાં ચોમાસાની રાહ જોવા લોકો મજબૂર બન્યા છે. દક્ષિણભારતના રાજ્યોમાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેટલો વરસાદ નથી વરસ્યો. આમ તો વિધિવત રીતે ચોમાસાનું આગમન સમગ્ર દેશમાં થઈ ગયું છે પરંતુ અનેક રાજ્યો માટે જાણે ચોમાસાની સિઝન શરૂ જ ન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ભારતમાં વરસાદ ન પડવાને કારણે પાક પર ગંભીર અસર પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો વરસાદનું આગમન તેલંગાણા તેમજ કેરળમાં નહીં થાય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે.