જી-20ની પ્રવાસન કાર્યજૂથની બેઠક કચ્છના ધોરડા ખાતે આયોજીત થઈ હતી. આ બેઠકના પ્રથમ દિવસે સાંજના સમયે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું તેમજ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જી-20 દેશોનાં પ્રતિનિધિ ઉપરાંત, આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પર્યાવરણને અનુકૂળ પ્રવાસન, પ્રવાસન પ્રવૃત્તિઓમાં ટેક્નોલોજીનો ઉપયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ડિનરમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ વિદેશી મહેમાનોને પીરસવામાં આવી હતી.
સીએમ સહિત અનેક પદાધિકારીઓ રહ્યા હતા ઉપસ્થિત
કચ્છના ધોરડામાં જી-20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં પ્રથમ દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તે ઉપરાંત સહ ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત તેમજ દેશ-વિદેશની વિવિધ સાંસ્કૃતિક ઝાંખીને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસનમંત્રી તેમજ રાજ્યના પ્રવાસન મંત્રી સહિતના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકનૃત્યોની કરાઈ પ્રસ્તૃતિ
રંગારંગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અનેક લોકનૃત્ય મહેમાનો સામે રજૂ કરવામાં આવ્યા હતા. જયતુ જયતુ ગુજરાત ગીતથી આ કાર્યક્રમનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. તે સિવાય વસુધૈવ કુંટુમ્બકમ થીમ પર વિવિધ કલાકારોએ નૃત્ય રજૂ કર્યું હતું તે ઉપરાંત નર્મદાષ્ટકમની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી. અનેક મહેમાનોએ પણ લોક નૃત્યમાં ભાગ લીધો હતો.