દિવાળીનો તહેવાર એટલે મીઠાઈ અને ફટાકડાનો તહેવાર. દિવાળીના તહેવારને હવે ગણતરિના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીને લઈ આ વર્ષે લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ અધિક કલેક્ટરે દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે રાત્રિના 10 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા દરમિયાન ફટાકડા નહીં ફોળી શકાય.
રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
કોરોના કાળ દરમિયાન દિવાળીની ઉજવણી સીમીત રીતે થતી હતી. પ્રતિબંધો સાથે ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારે આ વખતે સરકાર દ્વારા કોરોનાને લઈ કોઈ પણ પ્રતિબંધ મુકવામાં નથી આવ્યા જેને કારણે દિલ ખોલીને લોકો દિવાળીના તહેવારમાં આનંદ કરી શક્શે. ત્યારે ફટાકડાને લઈ રાજકોટ અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાનું વેચાણ અથવા તો ઓર્ડર નહીં લઈ શકાય તેમજ જાહેર રસ્તા પર કે ફૂટપાથ પર પણ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહીં.