દિવાળીનો તહેવાર ઘરે પરિવાર સાથે આનંદથી મનાવવામાં આવતો હોય છે. પરિવારના તમામ લોકો એક સાથે હળી-મળીને દિવડા સળગાવી અને ફટાકડા ફોડી આનંદથી તહેવાર મનાવતા હોય છે. પરંતુ દિવાળીમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પર નવી જ રીતે દિવાળી ઉજવવાનો ચીલો અમુક નબીરાઓએ ચીતર્યો છે તેવું લાગી રહ્યું છે.
નબીરાઓએ જાહેરમાં ફોરવ્હીલ પર ફટાકડા ફોડ્યા
અમદાવાદમાં સિંધુ ભવન રોડ આવેલો છે. તાજ હોટલ નજીક રાત્રિના સમયમાં અમુક નબીરાનો જાહેરમાં ગાડી પર ફટાકડા ફોડતો અને રસ્તા પરથી પસાર થતા લોકોને હેરાન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોની અંદર આવારા લુખ્ખા તત્વો જાહેરમાં ફટાકડા ફોડી રહ્યા છે અને રસ્તો બ્લોક કરી રહ્યા છે તેવું નજરે પડે છે. જે રીતે વીડિયોમાં નબીરાઓ ફટાકડા ફોડતા દેખાઈ રહ્યા છે તેમાં એવું લાગી રહ્યું છે કે આ લોકોને પોલીસનો ડર નહીં હોય. અને જો ડર હશે તો પણ બાપ પાસે પૈસા હશે ને બાપ પૈસા આપી છોડાવી લેશે તેવો એટિટ્યૂડ આ લોકોના મોઢા પર દેખાઈ રહ્યો છે.
આ અમદાવાદનો સિંધુભવન રોડ છે કે કોઈનો બગીચો?
— Jamawat (@Jamawat3) October 25, 2022
અમદાવાદના સિંધુભવન રોડ પર યુવકોએ રસ્તાઓ વચ્ચે ફટાકડા ફોડી પોતાનો રૌફ બતાવ્યો, વાહનચાલકો મૂકાયા હતા તકલીફમાં, પોલીસે તપાસ હાથ ધરી.
અમદાવાદના સિંધુભવન રોડને નબીરાઓએ બનાવ્યો પોતાના બાપનો બગીચો#jamawat #sindhubhavanroad #Viral pic.twitter.com/UokSVTrwoq
GJ 8 BS 9 નામની બ્લેક સ્કોર્પીયોનો આતંક
અમદાવાદનો સિંધુભવન રોડ આમ પણ અમીર બાપની ઔલાદો માટે જાણિતો છે. અવારનવાર રૂપિયાવાળા બાપના પુત્રો ડ્રગ્સ સાથે ઝડપાયા છે. આ વિસ્તાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. પરંતુ જે વીડિયો વાયરલ થયો છે તે તાજ હોટલ નજીકનો છે. આ વીડિયોમાં GJ-8-BS-9 નંબરની બ્લેક સ્કોર્પીયોમાં નબીરાઓ જાહેરમાં ફટાકડા ફોડી હિરોગીરી દેખાડી રહ્યા છે. જાહેરમાં આ લોકો એવી રીતે ફટાકડા ફોડી રહ્યા છે જેનાથી પસાર થતા લોકોને પણ તકલીફો પડી રહી હતી અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો બનાવ છે. લુખ્ખા તત્વો આ વીડિયોમાં ફટાકડા ફોડી રહ્યા છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ, વસ્ત્રાપુર પોલીસ વિસ્તારની હદમાં, આ જવિસ્તારમાં ડ્રગ્સની ઘટનાઓ ઘટે છે. જાહેર રોડ પર આતિશબાજી કરી રહ્યા છે. ન કોઈની બીક છે ના શરમ છે. કેવી રીતે મરજી મુજબ કાયદા સાથે રમી રહ્યા છે. GJ 8 BS 9 નામની બ્લેક સ્કોર્પીયો ગાડી છે. આ દિવાળી રમવાની રીત નથી આ હિરોગીરી દેખાડવાની રીત છે. વધી વધીને શું કરી લેશે પોલીસ પકડશે જેલમાં નાખશે બાપા પાસે પૈસા બહું છે છોડાવી લેશે.
પોલીસ કહે છે અમારી તપાસ ચાલુ છે
અમદાવાદના સિંધુ ભવન રોડ પર સરખેજ અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશન બંનેની હદ લાગે છે. આ તાજ હોટલવાળો વિસ્તાર છે માટે આમાં સરખેજ પોલીસ સ્ટેશનની હદ લાગે છે. ત્યારે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરે વીડિયો મામલે પ્રતિક્રિયા આપી હતી કે, સમગ્ર બાબતની નોંધ લેવામાં આવી છે. સરખેજ પોલીસ સ્ટેશનની ગાડી સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ કરતી હોય છે પરંતુ આ ઘટના કેવી રીતે ઘટી તેના વિશે તપાસ કરવામાં આવશે અને આ ઘટના મામલે તમામ નબીરાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.