ઉત્તર પ્રદેશમાં સવારથી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. એક બાજુ રોડ અકસ્માતને કારણે લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો આગ લાગવાને કારણે મૃત્યુ પામ્યા છે. આગની ઘટના ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં બની છે. જ્યારે અકસ્માતની ઘટના બહરાઈમાં બની છે. જરવલ રોડના ઘાઘરા ઘાટ સ્ટેશન પાસે બસ ટ્રક સાથે અથડાઈ હતી.
આગમાં અનેક લોકો હોમાઈ ગયા
ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મુખ્ય બજારમાં આવેલા વેપારીની ત્રણ માળની બિલ્ડીંગના ભોયરામાં આવેલા ફર્નિચરની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના ગઈ કાલ બની હતી. ભોયરામાં લાગેલી આગમાં ઉપર આવેલુ મકાન પણ લપેટામાં આવી ગયું હતું. આગ એટલી ભીષણ હતી કે આ આગમાં પરિવારના અંદાજીત 6 સભ્યો આગમાં હોમાઈ ગયા હતા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે અને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.
બસ અને ટ્રક વચ્ચે થયો ગંભીર અકસ્માત
બીજી ઘટનામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બહરાઈચ -લખનઉ હાઈવે પર જરવલ રોડના ઘાઘરા ઘાટ પાસે બસ સાથે ટ્રક અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.