લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે. સીટોની વહેંચીને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો ચાલી રહી છે અને આજે ગઠબંધનને લઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવવાની છે. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધવાના છે અને તેમાં ગઠબંધન અંગેની જાહેરાત કરવામાં આવશે. સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતની બે લોકસભા સીટો પર હશે આપના ઉમેદવાર!
વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. આ ગઠબંધન હેઠળ રાજ્યોમાં સીટોની ફાળવણીને લઈ ચર્ચા થઈ રહી છે. સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં દેશના વિવિધ રાજ્યો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતની બે સીટો પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે જ્યારે 24 જેટલી સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
આ રાજ્યો માટે થઈ શકે છે ટિકિટ ફાળવણી અંગે જાહેરાત
ન માત્ર ગુજરાતની સીટોની ફાળવણી અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા રાજ્યો માટે પણ સીટોની ફાળવણી અંગેની જાહેરાત થઈ શકે છે. સત્તાવાર રીતે થોડી વારમાં જાહેરાત થઈ શકે છે. સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ નેતા દીપક બાવરિયા, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને મુકુલ વાસનિક સાથે આપ નેતા સૌરભ ભારદ્વાજ, આતિશી અને સાંસદ સંદીપ પાઠક સામેલ થશે.