દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી છે. એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ફાયર વિભાગને માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની 6 ટીમો તથા 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. AIIMSમાં સોમવારે સવારે લગભગ 11.54 વાગ્યે આગ લાગી હતી. દુર્ઘટના બાદ તમામ દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને ઉતાવળમાં અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
કોઈ જાનહાનિ નહીં
AIIMSના ઈમરજન્સી વોર્ડ લાગેલી આગમાં હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ, આગની અપડેટ 11.54 વાગ્યે આપવામાં આવી હતી, ત્યારબાદ 6 ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. ઈમરજન્સી વોર્ડ પાસેના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. બીજા માળે આવેલી જૂની ઓપીડીમાં આ જગ્યાએથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે. AIIMS દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંથી એક છે, જ્યાં દેશના વિવિધ ભાગોમાંથી દરરોજ હજારો દર્દીઓ પહોંચે છે.
અગાઉ પણ લાગી હતી આગ
આ પહેલા જૂન 2021માં એઈમ્સ હોસ્પિટલમાં આગના કારણે હોબાળો મચી ગયો હતો. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ગેટ નંબર 2 પાસે કન્વર્ઝન બ્લોકના નવમા માળે રાત્રે લગભગ 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા 26થી વધુ વાહનોએ મોડી રાત્રે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને કારણે સ્પેશિયલ કોરોના લેબમાં રાખવામાં આવેલા સેમ્પલ બળીને રાખ થઈ ગયા હતા.