રાજ્યમાં આગામી ત્રણ મહિના સુધી તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે, ત્યારે તહેવારોને ધ્યાનમાં લઇ લેભાગુ અને ભેળસેળિયા તત્વો પણ ભેળસેળ યુક્ત સામાન માર્કેટમાં ઠાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તહેવારોમાં લોકોના સ્વાસ્થ્ય (Health) સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો પર પોલીસે તવાઇ બોલાવવાનું શરૂ કરી દીધું છે. ગીર સોમનાથમાં SOGએ નકલી ઘીના (fake ghee) કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે વેરાવળના વખારિયા બજાર અને ડારી ગામના ઘી બનાવતા કારખાના પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે 100થી વધુ શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા છે.
નકલી ઘીના 121 ડબ્બા જપ્ત
ગીર સોમનાથ SOGને નકલી ઘીના કારોબારની બાતમી મળતી ટીમે દરોડોની કામગીરી શરૂ કરી હતી. જેમાં ગતરોજ બુધવારે વેરાવળના ડારી ગામ અને વખારિયા બજારમાં દરોડા કરવામાં આવ્યા હતા. દરોડાની કામગીરી દરમિયાન કુલ 121 ડબ્બા શંકાસ્પદ ઘી સાથે મીની કારખાના ઝડપી લીધા હતા. એસ.ઓ.જી.એ ડારી ગામ ખાતે આવેલી શ્યામ દિવેલ નામની પેઢીમાં દરોડો પાડી 52 ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી લીધું હતું. બીજી તરફ એસ.ઓ.જી.એ વેરાવળના વખારીયા બજારમાં પણ દરોડો કર્યો હતો જ્યાંથી 69 ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી લીધું હતું. બંને સ્થળોએથી પોલીસને મોટાપાયે પામ તેલ, વનસ્પતિ ઘી સહિતની સામગ્રીઓ સાથે કુલ કુલ રૂપિયા 2,34,205નો લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને ઘીના નમૂનાઓ એકત્ર કર્યા. પોલીસની કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.
ઘીના સેમ્પલ મોકલાયા
પોલીસે ઝડપાયેલા શંકાસ્પદ ઘીના નમૂના અને પૃથ્થકરણની કામગીરી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ પહેલા પણ ગીર સોમનાથના ઉના ખાતેથી શંકાસ્પદ ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે ગીર સોમનાથનમાં નકલી ઘીનો કારોબાર ફુલીફાલી રહ્યો હોય તેવી સ્થિતી જણાય રહી છે.