તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને વળી દિવાળી વેકેશનનો પણ પ્રારંભ થઈ ગયો છે. તહેવારોને લઈ રાજ્યના તમામ મોટા શહેરોમાંથી લોકો વતન તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરાથી મોટા પ્રમાણમાં લોકો પોતાના ગામ જવા માટે ઉમટી રહ્યા છે. જો કે બસ સ્ટેશનમાં પુરતી સંખ્યામાં બસ ન હોવાથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને રાજ્ય સરકાર પર માંછલા ધોયા હતા.
બસનું રિઝર્વશન કેન્સલ થતા લોકોમાં રોષ
દિવાળીના તહેવારની શરૂઆત સાથે વતનમાં જવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા વધારાનાની બસ દોડવાઈ રહી છે. જો કે તેમ છતાં પણ લોકોને બસમાં જગ્યા ન મળતા તેમણે રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેટલાક મુસાફરોએ 15 દિવસ પહેલા બસનું રિઝર્વશન કરાવી રાખ્યું હતું તેમ છતાં છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ થતાં મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.
તમામ બસ મુસાફરોથી ભરચક
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો દિવાળી આવતા વતનની વાટ પકડી રહ્યા છે. જો કે તમામ મોટા બસ સ્ટેશનોમાં કીડીયારૂ ઉભરાયું હોય તેમ મુસાફરોના ટોળા જોવા મળી રહ્યા છે. તમામ રૂટની બસો મુસાફરોથી ભરચક જતી હોવાથી પરિવાર સાથે નિકળેલા લોકોની હાલત કફોળી થઈ હતી. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. STની સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસો હાઉસફુલ થઇ ગઇ હતી. ST બસ ન મળતા પ્રવાસીઓ ડબલ ભાડું આપીને ખાનગી બસમાં જવા મજબૂર બન્યા હતાં. ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સવાળાઓએ ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે.