દિવાળી દરમિયાન એસ.ટી વિભાગને કરોડોની કમાણી થઈ છે. સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી જેને કારણે દિવાળી એસ.ટી વિભાગને ફળી છે તેવા સમાચારો તો મળ્યા હશે. દિવાળી ન માત્ર એસટી વિભાગને ફળી છે પરંતુ ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોને ફળી છે. ગુજરાતમાં આવેલા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ દિવાળીની રજાઓ દરમિયાન 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42, 75, 900થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી.
ગુજરાતના પ્રવાસન સ્થળોને જોવા માટે વધ્યો ક્રેઝ!
ગુજરાતીઓને ફરવાના શોખીન માનવામાં આવે છે. દિવાળી સમયે અનેક લોકો રાજ્યની બહાર ફરવા જતા હોય છે તો કોઈ ગુજરાતમાં જ ફરી દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પર પર્યટકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. અનેક પ્રવાસન સ્થળઆકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્મૃતિ વન, ગિરનાર રોપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, દાંડી સ્મારકની પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તે ઉપરાંત સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત ભક્તોએ લીધી હતી. તે ઉપરાંત સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર પણ આકર્ષણનું કેન્દ્ર દિવાળીના તહેવારો દરમિયાન વધ્યું હતું.
ક્યાંની કેટલા લોકોએ લીધી મુલાકાત?
એક મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત 3,03,800થી વધારે લોકોએ લીધી હતી. ભૂજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત 36,300થી વધારે લોકોએ લીધી છે. દાંડી સ્મારકને જોવા માટે 27,900થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા. તો 31900થી વધારે લોકોએ સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. સોમનાથ દાદાના આશીર્વાદ 4,87,900થી વધારે દર્શનાર્થીઓએ લીધી છે. અંબાજી મંદિરમાં 6 લાખ 35 હજાર 700થી વધારે દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. પાવાગઢ મંદિરની મુલાકાતે 5,25,400થી વધારે આવ્યા છે. દ્વારકાધિશના દર્શન 6,18,400થી વધારે ભક્તોએ કર્યા છે. અમદાવાદમાં આવેલા અટલ બ્રિજની 1,81,692 જેટલા લોકોએ મુલાકાત લીધી. ઉપરાંત કાંકરિયા તળાવ જોવા માટે 4,45,140થી વધારે લોકો આવ્યા હતા.