રાજકોટ જિલ્લાના જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો હવે ઉગ્ર બન્યો છે. જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી દયાબેન શંભુભાઈ સરીયા નામની મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેણીના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનો અને જ્ઞાતિ આગેવાનો સાથે એસપી તેમજ જેતપુર પોલીસને ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે દયાબેને આપઘાત કર્યો હોવાનું આવેદનપત્ર આપ્યું છે. પરિવારજનોએ આ સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાનો પણ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે. જો કે હવે આ સમગ્ર મામલે કોળી સમાજ મેદાને આવ્યો છે, કોળી સમાજના આગેવાનોએ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આ મામલે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર તેમજ ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
શું કહ્યું કોળી આગેવાનોએ?
મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરીયાના આપઘાતને આજે 6 દિવસ થયેલ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ના થતા કોળી સમાજના ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર, હિતેશ ઠાકોર તેમજ આશિષ મકવાણા તેમજ અન્ય આગેવાનોએ જેતપુર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં આગેવાનોએ જણાવ્યું હતુ કે, પોલીસે આપઘાતની વાત પણ છુપાવી હતી. પોલીસની તપાસ બાબતે શંકા પ્રેરે છે. થોડા દિવસ પૂર્વે દયાબેનને બસ સ્ટેન્ડમાં જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો થતા તેણીએ 100 નંબર પર કોલ કરી પોલીસને બોલાવી હતી. તેમને ત્રણ પોલીસ કોન્સ્ટેબલનો એટલો ત્રાસ હતો કે તેઓ ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. તેમણે આપઘાત કરતા પહેલા કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચૂંદડીનો ગાળિયો બનાવ્યો હતો તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહ્યા છે તેની ત્રણ કોન્સ્ટેબલને જાણ કરી હોવાની ચેટ તેમજ વિડિયો મીડિયાને આપ્યા હતા.
મંત્રી કુંવરજી બાવળીયા કરી હતી બેઠક
મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેણીના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. બે દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો અને દયાબેનના પિતાની હાજરીમાં એક બેઠક યોજી હતી. ત્યાર બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા પોલીસ પર પણ આક્ષેપો ઉઠાવવામાં આવી રહ્યા છે. મંત્રી કુંવરજી બાવળીયાએ બેઠક કરી તટસ્થ તપાસ માટે સૂચના આપી હતી. ત્યાર બાદ અનેક રજૂઆતો તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહીના થતાં કોળી સમાજના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી મેદાને આવ્યા છે. આ અંગે કેબિનેટ પ્રધાને જણાવેલ કે, 'આપઘાતના બનાવમાં કોઈ દોષિતોને છોડવામાં નહિ આવે અને જો પોલીસની તપાસ યોગ્ય નહીં લાગે તો બે ત્રણ દિવસમાં અન્ય એજન્સી પાસે તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
જસદણ તાલુકાના શિવરાજપુર ગામના વતની અને મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરીયા(25)એ પોલીસ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેણીએ આપઘાત કરતા પૂર્વે કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચૂંદડીનો ગાળિયો બનાવ્યો હતો. તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહી છે તેની ત્રણ કોન્સ્ટેબલને જાણ કરી હોવાની ચેટ તેમજ વિડિયો મીડિયાને આપ્યા હતા. આ ઘટના બાદ દયાબેન સરીયાના પરિવારજનોએ ત્રણેય કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. પરિવારજનોએ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઠંડુ વલણ આપનાવતા પોલીસ પર પણ ભીનું સંકેલનાનો આરોપ લગાવ્યો હતો.