જો કોઈ તમને પૂછે કે હમણાં કઈ સીઝન ચાલી રહી છે તો તમે કહેશો કે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે આકરો તડકો હોય છે. તડકો એટલો હોય છે લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. સાચી વાત છે સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે તાપ લાગવા લાગે છે. સામાન્ય રીતે શિયાળાના સમયે આવતો તડકો લોકોને પસંદ હોય છે, ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તડકો શોધતા હોય છે પરંતુ હમણાં બપોરના સમયે જે પ્રમાણે તડકો પડે છે તે આકરો હોય છે. ત્યારે આવનાર દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આવનાર દિવસોમાં થઈ શકે છે બેવડી ઋતુનો અહેસાસ
જાન્યુઆરી મહિનામાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી. શિયાળાની શરૂઆત થઈ ત્યારે કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અમુભવ ન થયો હતો. જાન્યુઆરી મહિનામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહી સાંભળતા જ ધરતીપુત્રો ચિંતામાં મૂકાઈ ગયા હતા. પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. આખો દિવસ તાપમાન ઠંડુ રહેતું હતું પરંતુ ફેબ્રુઆરીની શરૂઆત પહેલા બપોરે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જે તડકાની રાહ શિયાળાના દિવસોમાં જોવાતી હતી તે હવે આકરો લાગવા લાગ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. 24 કલાક બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઇ શકે છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
એવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. તાપમાન ઉંચકાઈ શકે છે. મંગળવારના હવામાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું, વડોદરાનું લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી, વલસાડનું 14.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, નલિયાનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે. સુરતનું તાપમાન 17 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. રાજકોટનું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે.
અંબાલાલ પટેલે કરી આ આગાહી...
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ફ્રેબુઆરીમાં જાન્યુઆરી મહિના કરતા વધારે ઠંડી પડશે. ઠંડીનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીના દિવસોમાં વાદળો આવશે અને ધીરે-ધીરે ઠંડી ઘટશે. ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.