ઉત્તર પ્રદેશના અલીગઢના ભારતીય જનતા પાર્ટીની નેતા રૂબી ખાન હમણા વિવાદમાં ફસાયેલા છે. વાત એમ છે કે, ગણેશ ચતુર્થીના અવસર પર તેમણે વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરી હતી. મુસલમાન સમાજના લોકોને રૂબી ખાનનું આ કામ નહોતું ગમ્યું. તેના સમાજના મુફ્તીએ રૂબી ખાન સામે ફતવો બહાર પાડી દીધો હતો. ફતવો જાહેર થયા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. રૂબીના સમાજના લોકોએ તેમના પર અનેક આરોપો લગાવ્યા હતા. રૂબી ખાને વળતો જવાબ આપતા કહ્યું કે, "સાચા મુસલમાન આવી વાતો નથી કરતા."
અલીગઢની ભારતીય જનતા પાર્ટીની મુસ્લિમ મહિલાએ ગણપતિની પૂજા કરતા દેવબંદના મુફ્તીએ મહિલા સામે ફતવો જાહેર કર્યો છે. ઘરમાં ગણપતિની સ્થાપના કરનાર રૂબી ખાન સામે ફતવો જાહેર કરી દેવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે ભાજપના મહિલા નેતાએ શું કહ્યું?
જ્યારે રૂબી ખાનને વિવાદ મામલે પોતાનું નિવેદન આપી જણાવ્યું હતું કે, "ગણપતિ જ્ઞાનની સાથે સુખ અને સમૃદ્ધિના દેવતા છે. જે લોકો ફતવો જાહેર કરી રહ્યા છે તેઓ ભારતમાં સાંપ્રદાયિક એકતાને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ મારી સામે ફતવો જાહેર કરે તો મને તેનાથી કોઈ ફરક નથી પડતો. મારા સામે પોસ્ટરો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતું મને કોઈ તકલીફ નથી. તેમને જે કરવું હોય તે તેઓ કરે મારે જે કરવું છે તે હું કરીશ."
ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપઃ મુફ્તી
ત્યારે ફતવો જાહેર કરનાર મુફ્તીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપ છે. જો આજે એક મહિલાએ આવું કામ કર્યું છે તો કાલે અન્ય મુસ્લિમો પણ આવી રીતે કરશે. તેમની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય છે."