દીકરો કે દીકરી અવતરે તો કહેવામાં આવે છે કે દીકરો માને વ્હાલો હોય છે અને દીકરી બાપને વ્હાલી હોય છે. બાપ દીકરી પ્રત્યે વિશેષ પ્રેમ રાખી કાળજા કેરા કટકાને ઉછેરીને મોટી કરે છે. સમાજની વ્યવસ્થા સ્ત્રી વગર અધૂરી છે, સ્ત્રી વગર સર્જન અશક્ય છે. અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યારે દીકરી સમાજ બહારના છોકરા સાથે લગ્ન કરે તો તે વાતનો વિરોધ માતા પિતા દ્વારા કરવામાં આવતો હોય છે. થોડા સમય પહેલા પણ પિતા દીકરી સાથે કરગરી રહ્યા હતા. ત્યારે આજે એક પિતાએ જીવતી દીકરીની ઉત્તરક્રિયા કરી દીધી. .
બાપાએ મુંડન કરી જીવતી દીકરીની કરી ઉત્તરક્રિયા
આજે એક સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે. વાત એમ હતી કે ગરબાડામાં એક મહિના પહેલા એક દીકરીએ પોતાના સમાજ સિવાય બીજા સમાજના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. જે દરેક પરિવાર કરે છે તેમ આ પરિવારે પણ દીકરીને ઘરે પરત લાવવા પ્રયત્નો કર્યા પણ દીકરી ઘરે પાછી ના આવતા દીકરીના સગા બાપે દીકરી જીવતી હોવા છતાં પણ અંતિમ સંસ્કાર કરી દીધા છે. બાપે મુંડન કરીને સમાજ સામે પ્રસ્થાપિત કર્યું કે દીકરી અમારા માટે મરી ગઈ છે. આ બાબતે સમાજના વ્યક્તિએ સમાજ વતિ સરકારને અપીલ કરીને પોતાની વાત મૂકી હતી.
દીકરીને ઘરે પાછા લાવવા પિતા પગે પડયા
તે પહેલા પણ થોડા સમય પહેલા બનાસકાંઠાના દીયોદરના રૈયા ગામમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી કે છોકરી પોતાના ભાઈના સાળા સાથે ભાગી ગઈ હતી અને લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ પરિવારે પોલીસ ફરિયાદ કરીને કહ્યું હતું કે અમારી દીકરી ગુમ છે. પોલીસે શોધખોળ કરતા દંપતી મળી હતી. પોલીસે માબાપ અને બંને નવ દંપતીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા જ્યાં સમાધાન કરવા માટે અને ઘરે આવવા માટે બાપે પોતાની આબરુ છોડી દીકરીને પગે લાગવા લાગ્યા હતા છતાં પણ દીકરી ટસની મસ નહોતી થઈ. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં લોકોએ છોકરી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.