માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન, મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત 'નુકસાનીના સર્વે બાદ અપાશે સહાય'


  • Published By :
  • Published Date : 2023-11-27 20:25:09

સમગ્ર રાજ્યમાં ગત રવિવારે માવઠાના કારણે ભારે ખાનાખરાબી સર્જાયા બાદ આજે પણ બપોર સુધી પણ વાદળો ઘેરાયેલા જ રહ્યા હતા. સવારે ધુમ્મલ વચ્ચે વિઝિબિલિટી ઘટી હતી અને ત્યારબાદ બપોર બાદ વાતાવરણ ચોખ્યું થયું હતું. જેના પરિણામે હવે ગુજરાત માથેથી માવઠાની મોટી ઘાત ટળી હોય તેવો અહેસાસ થયો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. જેને લઇને સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે.તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું. રાજ્યમાં ખરીફ વાવેતરમાં કેટલાક અંશે નુકશાન થયું છે. ત્યારે કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. ઋષિકેશ પટેલની આ જાહેરાત બાદ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. વિજળી પડવાના કારણે 29 માનવ મૃત્યુ થયાનું પણ ઋષિકેશ પટેલે સ્વીકાર્યું હતું. એટલું જ નહીં મુખ્યમંત્રી સાથે કમોસમી વરસાદ અને માનવ મૃત્યુ સંદર્ભે સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું હતું.


60 ટકા જેટલો વરસાદ ખાબક્યો


મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું  હતું કે હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ અંદાજિત 60 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. અને આ માવઠાને કારણે 1 મિલિમીટરથી લઈ 144 મિલિમીટર જેટલો વરસાદ ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખરીફ પાકોમાં કપાસ તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે. અંતે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે તેનું પણ સર્વે કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોની સહાય કરવા સરકાર કટિબદ્ધ છે. પણ હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર ક્યારે સર્વે કરશે અને ક્યારે સહાય આપશે.


મુખ્યમંત્રી પણ ચિંતિત 


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ જાપાનના પ્રવાસે હોવાથી તેમણે ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા રાજ્ય સરકારને સતત કાર્યરત રહેવા સૂચના આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે વરસાદની માત્રા ઓછી થશે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે, તેનું સર્વે કરીને તેમની સહાય કરવામાં આવશે.તેમ તેમણે જણાવ્યું હતું.


ખેડૂતોને વ્યાપક નુકસાન


રાજ્યમાં રવિવારે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઘઉં,ચણા, કપાસ, જીરૂ અને ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન થયું છે.  કપાસ, એરંડા, મકાઈ અને સોયાબીનના પાકને પણ નુકસાન થયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે શેરડી, ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાન થયું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પપૈયાનો પાક ભારે પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયો છે. સાથોસાથ એરંડા અને વરિયાળીના પાકનો પણ સોથ વળી ગયો છે. જીરૂ, ઈસબગુલ જેવા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોનો દાવો છે કે મોંઘાદાટ ભાવે બિયારણ ખરીદી પાકનું વાવેતર કર્યું હતું. કેટલોક પાક તો તૈયાર થવાને આરે પહોંચ્યો હતો ત્યાં જ કમોસમી વરસાદ વરસતા આ પાક હવે નિષ્ફળ થવાની ભીતિ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?