હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આસોમાં અષાઢી જેવો માહોલ જામ્યો છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પોતાના પાક પર ખેડૂતો સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. પાકનું યોગ્ય વળતર મળે તે માટે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક પહોંચાડી દેતા હોય છે. પરંતુ માર્કેટિંગ યાર્ડની લાપરવાહીને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી જતું હોય છે તેવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવતા હોય છે . વરસાદને લઈ હવામાન વિભાગને આગાહી કરી હતી પરંતુ જસદણ માર્કેટિંગ યાર્ડ આગાહીને લઈ ગંભીર ન હતી જેને કારણે યાર્ડમાં પાણી ઘૂસતા મગફળીનો પાક પાણીમાં વહી ગયો હતો. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
શું જસદણ માર્કેટિંગ યાર્ડ સુધી નથી પહોંચી વરસાદની આગાહીની ખબર?
જસદણ માર્કેટિંગ યાર્ડથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાણીના પ્રવાહમાં મગફળીનો પાક વહી રહ્યો છે. આવા દ્રશ્યો વર્ષ દરમિયાન અનેક સામે આવતા રહે છે. આ વખતે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વરસાદની આગાહીને ગંભીરતાથી નથી લેવામાં આવી. મગફળીના પાકને નુકસાન ન પહોંચે તે માટે કોઈ પગલા લેવામાં નથી આવ્યા.
ખેડૂતોની મહેનત ગઈ પાણીમાં
પોતાના પાકને બચાવવા ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય છે. ઘણી મહેનત કર્યા બાદ પણ પાક સફળ જશે કે નિષ્ફળ તેની તેને ખબર હોતી નથી. ત્યારે જે પાક સફળ ગયો છે તેની આવી દુર્દશા જોઈને ખેડૂતની કેવી હાય નીકળે. અનેક વખત પાણીમાં ભીંજાઈ જતા પાક બગડી જતો હોય છે. પરંતુ આપણી કમનસીબી એ છે કે આપણે આપણી ભૂલોમાંથી નથી શિખી શક્તા. માર્કેટિંગ યાર્ડની ભૂલને કારણે ખેડૂતોની મહેનત બરબાદ થઈ જાય છે.