રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે સરકાર વિરોધી લોકજુવાળ પણ ચરમસીમા પર છે. સમાજના તમામ વર્ગો તેમની માંગણીઓને લઈ રાજ્ય સરકાર સામે ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓ, માજી સૈનિકો તથા ખેડૂતોમાં સરકાર પ્રત્યે ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગરમાં ખેડૂતોએ કર્યું વિરોધ-પ્રદર્શન
ખેડૂતો તેમની પડતર માગણીને લઈને રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતોની માંગણી મુદ્દે કોઈ ચર્ચા કે નિર્ણય કરવામાં આવ્યો નથી. સરકારના આવા અક્કડ વલણ સામે ખેડૂતોમાં ભારે આક્રોસ છે. ગાંધીનગરમાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની 1 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેટલાક ખેડૂતો ઘૂસી ગયા હતા. ઉશ્કેરાયેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આગામી સમયમાં તેમની માગણી નહીં માને તો તેઓ સરકારને ઘેરશે.
રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારને આજે 1 વર્ષ પુરૂ થયું, એક વર્ષ અગાઉ આજના દિવસે જ તેમણે તેમના નવા પ્રધાન મંડળ સાથે શપથ લીધા હતા. જેની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજે ત્યાં પહોંચી ગયા હતા અને મહાત્મા મંદિર બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.