ખેડૂત આંદોલન ઉગ્ર સ્વરૂપ લઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. 21 ફેબ્રુઆરીએ બનેલી ઘટનાને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ કેસમાં તપાસ કરવામાં આવશે તેવી વાત પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ બધા વચ્ચે ખેડૂતોએ આજે કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઘરોમાં અને ગાડિયો પર કાળા ઝંડા લગાવામાં આવે. ખેડૂતના મોત બાદ સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનો દોર ઓછો થઈ ગયો છે. દિલ્હી ચલો આંદોલનને બે દિવસ માટે રોકી દીધો છે. એવી માહિતી સામે આવી છે કે હવે 2020-21ના ખેડૂતોના આંદોલનમાં ભાગ લેનાર સંગઠને પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી આ જાહેરાત
એક તરફ યુવા ખેડૂતના મોત બાદ આંદોલન કરી રહેલા ખેડૂતોમાં રોષ છે તો આ તરફ પંજાબ સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. પંજાબની આપ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે મૃત્યુ પામેલા શુભકરણના પરિવારને એક કરોડ આપવામાં આવશે. તેમજ ખેડૂતની નાની બહેનને સરકારી નોકરી પણ આપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે પંજાબ વિધાનસભામાં પંજાબના ત્રણ ખેડૂતોને શ્રદ્ધાંજલી પણ આપવામાં આવશે.
રાકેશ ટિકૈત દ્વારા શું આપવામાં આવી પ્રતિક્રિયા?
દિલ્હી બોર્ડર પર 2020-21ના કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર સંયુક્ત કિસાન મોરચા (SKM) પણ સક્રિય થઈ ગઈ છે. એસકેએમ દ્વારા એક બેઠક બોલાવામાં આવી હતી. જેમાં પંજાબના 37 સહિત દેશભરમાંથી 100થી વધુ ખેડૂત આગેવાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં 23મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી બ્લેક ડે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સિવાય રાકેશ ટિકેટ દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે 26 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ જતા રાજમાર્ગો પર ટ્રેક્ટર કૂચ અને 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં એક દિવસીય કાર્યક્રમની જાહેરાત કરી છે.