જગતના તાત ફરી એક વખત પોતાની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે. પોતાની માગને લઈ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. પોતાની વિવિધ માગણીઓને લઈ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો રાજધાની પહોંચવા માટે નીકળી ગયા હતા પરંતુ રસ્તામાં પોલીસે તેમને રોકી દીધા છે. બોર્ડરો સીલ કરવામાં આવી છે. ધારા 144 લાગુ કરવામાં આવી છે. ખેડૂતો આગળ ન વધી શકે તે માટે સિમેન્ટના બેરિકેટ મૂકવામાં આવ્યા છે, મોટા મોટા ખીલ્લા મૂકવામાં આવ્યા છે.
ખેડૂતોને રોકવા માટે શંભુ બોર્ડર પર છોડાયા હતા ટીયર ગેસના સેલ
સોમવારે ખેડૂતો અને સરકારના મંત્રીઓ વચ્ચે અનેક કલાકો સુધી મીટિંગ ચાલી હતી. એવું માનવામાં આવતું હતું કે મીટિંગમાં કઈ નિવેડો આવશે પરંતુ તેવું કંઈ ના થયું. કલાકો સુધી ચાલેલી મીટિંગ નિષ્ફળ સાબિત થયું છે. મીટિંગમાં જ્યારે ખેડૂત આગેવાન બેઠા હતા ત્યારે તેમના ટ્વિટ એકાઉન્ટને બંધ કરી દેવાયા હતા તેવી વાત ખેડૂત આગેવાન દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. પોલીસ અને ખેડૂતો આમને સામને છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે ગઈકાલે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આજે પણ આ પ્રકારના દ્રશ્યો સર્જાઈ શકે છે તેવી શક્યતાઓ પૂરે પૂરી છે.
આજે પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે થઈ શકે છે ઘર્ષણ
પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું તેમાં અંદાજીત 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે જ્યારે 12 જેટલા ખેડૂતો આ ઘર્ષણમાં ઘાયલ થયા છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પહેલેથી જ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ પણ એકદમ એક્ટિવ મોડમાં દેખાયા છે. ખેડૂતોએ બેરિકેટ તોડી દીધા હતા. બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ગમે ત્યારે હિંસા ભડકી ઉઠે છે તેવી સ્થિતિ હાલ છે.