અમદાવાદમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની નંબર પ્લેટ પર વિવિધ લખાણો લખવાનો ક્રેઝ વાહન ચાલકોમાં સતત વધી રહ્યો છે. વાહન ચાલકો તેમના વાહનોની નંબર પ્લેટને આકર્ષક બનાવવા માટે કે પછી પોતાની આગવી ઓખળ બતાવવા માટે આવું કરતા હોય છે. જો કે આવા જ ફેશનેબલ અને ડિઝાઇનવાળી નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલઆંખ કરી છે. પોલીસે શનિવારે એક જ દિવસમાં 123 વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક ઈસ્ટ પોલીસે આ તમામ લોકો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરી વાહનો કબજે લીધા હતા.
ડીસીપી સફિન હસને ડ્રાઇવ યોજી
અમદાવાદમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ-અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોવાની ફરિયાદો મળી રહી હતી. વાહન ચાલકો દ્વારા સતત થઈ રહેલા આરટીઓના નિયમોના ભંગને લઈ ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસન દ્વારા એક ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ફેન્સી નંબર પ્લેટ કે લખાણ લખનાર વાહન ચાલકો શોધી કાઢ્યા હતા. માત્ર એક જ દિવસમાં પોલીસે અલગ-અલગ જાતના લખાણો લખી ફરતા વાહન ચાલકો વિરુદ્ધ એમ.વી.એકટ કલમ 207 મુજબ વાહનો કુલ-123 ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર અલગ-અલગ ડ્રાઇવ કરવામાં આવે છે અને જે લોકો ટ્રાફિક નિયમનું ભંગ કરે છે તે લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.
સફિન હસને વાહનચાલકોને આપી ચેતવણી
વાહનની નંબર પ્લેટમાં વિવિધ પ્રકારના લખાણો અંગે ટ્રાફિક ઇસ્ટના ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે, "વાહનચાલકોએ તમામ નિયમો પાળવાના રહેશે. આવા કોઇ પણ વાહનચાલકો હશે તેને પોલીસ છોડશે નહીં અને તેની સામે કાર્યવાહી કરશે. અગાઉ પણ ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ પર છાણ લગાવી ફરનાર વાહનચાલક સામે ગુનો નોંધી તેનું વાહન કબજે લેવામાં આવ્યુ હતુ. તે જ પ્રકારની કામગીરી હવે ટ્રાફિક પોલીસ કરશે."