રાજ્ય કે કેન્દ્ર સરકારના ઉચ્ચ હોદ્દા ભોગવતા અધિકારીઓનો રોફ પણ ઘણો હોય છે. જો કે ક્યારેક આ જ કારણે કેટલાક લોકોને આવા નકલી અધિકારી બનવાની ચાનક ચડે છે. ગાંધીનગરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાંથી એક નકલી કલેક્ટર ઝડપાયો છે, ગાંધીનગર પોલીસે આ નકલી કલેકટરની ધરપકડ કરી છે. ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફોન કરી કલેકટરની ખોટી ઓળખ આપી પોલીસકર્મીઓ પર રોફ જમાવનાર પૂર્વ પોલીસકર્મીના પુત્રને પોલીસે ઝડપી પાડ્યો છે. ફોન પર પોતાની કલેકટર તરીકેની ખોટી ઓળખ આપી પોલીસને ધંધે લગાડનાર શખ્સ સામે ગાંધઈનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ તેને ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કઈ રીતે પોલ ખુલી?
આ મામલે પોલીસે આપેલી જાણકારી મુજબ મળતી વિગત બુધવારની રાત્રે પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ) તરીકે હેડ કોન્સ્ટેબલ દીપિકાબેન કટારા તેમજ પીકેટ ડયુટી તરીકે મહીલા લોકરક્ષક કાજલબા સુરેન્દ્રસિંહ ફરજ પર હતા. એ વખતે રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં કંટ્રોલ રૂમથી હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈએ ફોન કરીને કહેલું કે, કલેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો અને મહિલા પોલીસ સ્ટેશન અને પીઆઈનો નંબર માંગ્યો હતો. એટલે તમારા ઉપર ફોન આવશે. આટલું સાંભળતા જ પીએસઓ એલર્ટ થઈ ગયા હતા. અને તુરંત મોબાઇલ ફોનની રીંગ રણકી હતી. જે રિસીવ કરતાં જ, “હુ કલેકટર ચીરાગ શેખાવત બોલુ છુ અને તમારા પોલીસ સ્ટેશનમાં સંજયસિંહ કોણ છે, શુ નોકરી કરે છે ? એટલું કહી એક મોબાઈલ નંબર વિશે પૂછયું હતું. આમ ખુદ કલેક્ટર વાત કરતાં હોવાનું માનીને પીએસઓએ નંબર ચેક કરીને પોલીસ સ્ટેશનના ડ્રાયવર સંજયસિંહનો હોવાનું અને તેઓ હેડકવાટરથી એટેચ ઉપર નોકરી કરતાં હોવાનો પ્રત્યુત્તર આપ્યો હતો.આટલું સાંભળતા કલેક્ટરની ઓળખ આપનારે કહેલ કે "એટેચ તરીકે નોકરી કરે છે અને એક કલેકટરને ફોન તેમજ મેસેજ કરી પોલીસ સ્ટેશન બોલાવે છે. ? કયાં છે તમારો ડ્રાઇવર ? તાત્કાલીક અમારી સાથે વાત કરાવો " આટલું બોલીને ફોન લાઇન ચાલુ રાખીને અન્ય વ્યક્તિ સાથે વાત કરવા લાગે છે કે "મારે એસ.પી.(S.P.) અને ડીવાય એસ.પી. (Dy.S.P.) સાથે વાત કરવાની જરુર નથી સીધા એ.સી.એસ.(A.C.S.) હોમને વાત કરી દો કે ડ્રાઈવર સંજયસિંહની ગાંધીનગરથી નખત્રાણા બદલી કરવામાં આવે". આ બધું પીએસઓ પણ ફોન પર સાંભળી રહ્યા હતા. બાદમાં તમારા પી.આઇ. કોણ છે તેમનો નંબર આપો. તમારા પી.આઇ. ઉન્નતી પટેલ છે અને તેઓનો નંબર મારી પાસે છે. તમે વિગતો જણાવો તે પહેલા મારી પાસે તમામ વિગતો આવી ગયેલ છે. હુ કલેકટર છુ. તમારા ડ્રાઈવર સંજયસિંહને તાત્કાલીક મારી સાથે વાત કરવાનુ જણાવો અને તમે જાણીને કહો કે હુ કલેકટર અને કલાસ વન ઓફીસર હોવા છતા તે મને ફોન તથા મેસેજ કરી કેમ પોલીસ સ્ટેશન બોલાવે છે. ડ્રાઇવરની મને પોલીસ સ્ટેશનમાં બોલાવવાની શુ સત્તા છે ? હું તેને સસ્પેન્ડ કરાવી શકુ છુ અને બદલી પણ કરાવી દઇશ તેમ કહી ફોન મુકી દીધો હતો.થોડી વાર પછી સાથેના લોકરક્ષક સાથેની વાતચીતમાં જાણવા મળે છે કે એકાદ મહિના પહેલા ડ્રાઈવર સંજયસિંહ અને મહિલા કોન્સ્ટેબલને પણ ફોન આવ્યો હતો. આખરે સમગ્ર મામલે પીઆઈ ઉન્નતિબેન પટેલની તપાસમાં ફેક કોલ હોવાનું સામે આવ્યું હતું. જે અંગે સેકટર - 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં એલસીબીની તપાસમાં કલેક્ટર બનીને મહિલા પોલીસ મથકમાં પોલીસને ફોન કરતો ઈસમ જનક પંડ્યા હતો અને તે ડ્રાઈવિંગનો ધંધો કરે છે.
અગાઉ પણ રોફ જમાવ્યો હતો
નકલી કલેક્ટર બની રોફ ઝાડતા આરોપી જનક પંડ્યાએ અંગે વધુ જાણકારી તે પણ સામે આવી છે કે અગાઉ પણ તેણે આ જ રીતે એક-બે વખત કલેકટરના નામે લોકો સમક્ષ રોફ જમાવ્યો હતો. મળતી જાણકારી મુજબ આરોપીના પરીવારના બે લોકો પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. જનક પંડ્યા તેમના નામ પણ વટાવી ખાતો હતો. આ સમગ્ર મામલે પોલીસે જનક પંડ્યાની પૂછપરછ હાથ ધરી છે. જનકના પિતા પોલીસખાતામાં ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત હોવાનું જાણવા મળ્યું છે.