ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે પોતાના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ભરૂચ સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને ઉતાર્યા છે. જ્યારે ગઠબંધનની વાત થઈ ત્યારથી જ કોંગ્રેસમાં આંતરિખ ડખા હોય તેવું દેખાઈ આવતું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ફૈઝલ પટેલ લડશે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી!
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક બેઠકો એવી છે જે રસપ્રદ બની રહી છે. અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે અનેક બેઠકો એવી છે જ્યાં માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવ્યા છે. અહમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલે એક પોસ્ટ લખી છે જે બાદ એવું માનવામાં આવી રહ્યું છે તે અપક્ષથી ચૂંટણી લડી શકે છે.