વિવિધ માધ્યમોથી રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરતી હોય છે. કોઈ વખત હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે, કોઈ વખત ટીવીમાં એડ આપવામાં આવતી હોય છે અને કોઈ વખત સમાચાર પત્રોમાં મોટી મોટી જાહેરાતો આપવામાં આવતી હોય છે. અનેક વખત પ્રચાર કરવાની બધી જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વાત અમે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની એક ટ્વિટ પર કરી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કર્યું તેને જોઈને અમને તરત જ એક કહેવત યાદ આવી કે ૧૦૦ ચૂહે ખાકર બિલ્લી હજ કો નીકલી


વિધાનસભામાં ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો અને...
આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્યએ જવાબ માંગ્યો કે ભાજપે સરકારી જાહેરાતો અને મીડિયામાં આપેલી જાહેરાતો પાછળ કેટલો ખર્ચ કર્યો. તો આ અંગે વિધાનસભામાં મુખ્યમંત્રીએ જવાબ રજૂ કર્યો અને તેનો ફોટો મૂકી ગોપાલ ઇટલીયાએ ટ્વિટ કર્યું અને લખ્યું કે ઘણા વ્યક્તિઓ એવું પુછતા હોય છે કે, ટીવીમાં કે છાપામાં કેમ ફક્ત ભાજપની વાહવાહી જ કરવામાં આવે છે? જનતા પૂછે છે કે, માત્ર ભાજપના પ્રવક્તા અને ભાજપના નેતાઓ અને ભાજપની વાહવાહી કરતા સમાચાર જ ટીવી-છાપામાં કેમ આવે છે?


દિલ્હી-પંજાબની જાહેરાતો પણ ગુજરાતના છાપામાં છપાય છે....
ભારતીય જનતા પાર્ટીએ સરકારી જાહેરાતો અને મીડિયાને આપેલી જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ચૂંટણી વખતે તો આ ખર્ચમાં વધારો પણ દેખાઈ રહ્યો છે. આ બધો જાહેરાતોના ખર્ચ આપણાં બધાના ટેક્ષના રૂપિયામાંથી કરવામાં આવતો હોય છે. ગોપાલ ઇટલીયાએ આ ટ્વિટ કર્યું પણ એમને એ વિચાર નહીં આવ્યો હોય કે શું માત્ર ભાજપ જ આ એડવર્ટાઈજ પાછળ ખર્ચાઓ કરે છે. તમે ક્યારે પંજાબ સરકારની કે દિલ્હી સરકારની આમ આદમી પાર્ટીની જાહેરાતો જોઈ જ નથી? એ લોકો તો ત્યાંની જાહેરાતો પણ ગુજરાતનાં પેપરોમાં પણ આપે છે. રાજસ્થાનમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ રાજસ્થાનની જાહેરાતો ગુજરાતમાં જોવા મળતી જ હતી તો પછી એવું તો કહી શકાયને કે બધે કાગડા કાળા જ છે.

કરોડોના ખર્ચે પોતાને સારું દેખાડવાનો કરાય છે પ્રયાસ!
જેના પોતાના ઘર કાંચના હોય એને બીજાના ઘરે પથ્થર મારવા ના જવાય. આ રાજનીતિક પાર્ટીઓ પોતાની સારી ઇમેજ ઊભી કરવા અને દેખાડો કરવા આપણાં રૂપિયે તાગડધિન્ના કરતી હોય છે. આ લોકોને કઈ કહેવા જેવુ નથી કારણ કે આ બધા એક જેવા જ છે. જો તેમની સરકાર હોય તો તે પણ કરોડોનો ખર્ચ પોતાને સારું દેખાડવા કરવાના જ છે.

ભાજપે જાહેરાતો પાછળ કેટલો ખર્ચ કર્યો?
હવે નજર કરીએ કે કેટલા કરોડ રૂપિયા ભાજપે જાહેરાતો પાછળ વાપર્યા છે. જો સરકારી જાહેરતોની વાત કરવામાં આવે તો વર્ષ 2020-21માં વીસ કરોડ 9 લાખ, 21-22માં 19 કરોડ 28 લાખ, અને 22-23માં 30 કરોડ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાથે સાથે ટીવી અને પ્રિન્ટ મીડિયામાં આપેલી જાહેરતોની વાત કરીએ તો તે પણ કરોડોમાં છે ચુંટણી વખતે આ જાહેરતોની રકમના આંકડાઓ વધતાં પણ દેખાઈ રહ્યા છે કે ચુંટણી વખતે ભાજપે વધુ કરોડોની જાહેરાતો આપી હતી.