લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળામાં કોંગ્રેસ અને આપના નેતાઓ જોડાઈ રહ્યા છે. ગત છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને આપના ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. હવે વધુ એક ધારાસભ્યના નામની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી જાહેરાત
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયાના વિકાસ માટે ભાજપમાં જોડાવાનો દાવો કર્યો હતો. રામ મંદિર અને PM મોદીના કામથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. એક લાખ કરતા વધુ મતથી વાઘોડિયાની પેટાચૂંટણી જીતવાનો પણ તેમણે દાવો કર્યો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય હતા. 25 જાન્યુઆરીના અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 2022માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને હાર આપી હતી. વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ધર્મેન્દ્રસિંહની ઓળખ છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્ષત્રિય રાજપૂત સમાજમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પણ તેમની અન્ટ્રીથી લાભ થવાની શક્યતા છે.