આજ સવારે સાડા પાંચ વાગ્યાથી માજી સૈનિકોએ પાટનગર ગાંધીનગરમાં ઘેરો ઘાલી વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધ દરમિયાન બપોરે ચિલોડામાં ઘર્ષણ થતાં કાનજી મોથલિયા નામના 72 વર્ષના માજી સૈનિક શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે.
કેવી રીતે બની સમગ્ર ઘટના?
માજી સૈનિકો પાછલા 6 વર્ષથી પોતાની જૂની માગો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 72 વર્ષના માજી સૈનિક કાનજી મોથલિયા પણ વિરોધ નોંધાવવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. આર્મી અધિકારીઓને વિરોધ નોંધાવવા માટે જગ્યા ન મળતા તેઓ ચિલોડા ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. તે દરમિયાન બપોરે ઘર્ષણ થતાં માજી સૈનિક કાનજી મોથલિયા શહીદ થયા હતા. માજી સૈનિકોનો આક્ષેપ છે કે સરકારના આદેશથી પોલીસ પહોંચી આવી હતી અને ત્યાર બાદ પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જે દરમિયાન કાનજી મોથલિયા શહીદ થયા હતા.
કેમ માજી સૈનિકોએ ગાંધીનગર ઘેર્યું?
માજી સૈનિકો પાછલા 6 વર્ષથી પોતાની જૂની માગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 14 માગણીઓને લઈને જવાનો આપી રહ્યા છે. નોકરી દરમિયાન શહીદ જવાનના પરિવારને એક કરોડ જેટલી આર્થિક સહાય મળે, ગુજરાતના તમામ જિલ્લામાં શહીદોના સ્મારક બને, માજી સૈનિકોને મળતા 10 ટકા અનામતનું ચુસ્તપણે પાલન થાય, માજી સૈનિકોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે અનામત સીટ મળે, હથિયાર રિન્યૂ કરવા માટે તમામ જિલ્લામાં સુવ્યવસ્થા કરવી, 5 વર્ષની ફિક્સ પગારવાળી નીતિને નાબૂદ કરવા જેવી 14 માગણીઓ સાથે સેનાના પૂર્વ જવાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
ચૂંટણી પહેલાનો સમય હોવાથી અને સરકાર મોટા ભાગના લોકોની માગણી સ્વીકારતી હોવાના કારણે એક્સ આર્મી ઓફિસર્સે ગાંધીનગરમાં ઘેરો ઘાલ્યો છે. ગુજરાત પોલીસે અનેક જવાનોની અટકાયત કરી હતી. જ્યારે જવાનો પોલીસથી બચવા માટે અન્ય સ્થળો પર જઈ વિરોધ નોંધાવી સરકારના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહેના નામે સરકાર પોલીસ જવાનોની મદદથી સેનાના જવાનોની અટકાયત કરી હતી.