સ્ટોરી- સમીર પરમાર.
ટૂંક સમયમાં જ્યારે આપણે દિવાળી ઉજવીશું ત્યારે સરહદ પર સૈનિકો પોતાની ફરજ બજાવી રહ્યા હશે. રાત-દિવસ, ઠંડી-ગરમીની ચિંતા નહીં કરી દેશ માટે સરહદ પર સેવા આપતા હોય છે. ગુજરાત સરકારથી નારાજ માજી સૈનિકનો વીડિયો હમણા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે માજી સૈનિકની માગણી નહીં સ્વીકારતા માજી સૈનિક જમાવટ મીડિયા પાસે મદદ માગી હતી. જમાવટ મીડિયાએ માજી સૈનિકની વ્યથા ધ્યાનથી સાંભળી મુદ્દો ઉઠાવવાની બાહેંધરી આપી હતી.
શું છે માજી સૈનિકોની ગુજરાત સરકાર પાસે માગ?
ગત ઘણા સમયથી ગુજરાત માજી સૈનિક એસોસિયેશન ગુજરાત સરકાર સામે પોતાની માગ સાથે લડતા રહેતા હોય છે. ભારતીય બંધારણમાં માજી સૈનિકોને સરકારી ભરતીમાં 10 ટકા અનામતની જોગવાઈ કર્યા બાદ પણ ગુજરાત સરકાર માજી સૈનિકોને અનામત નહીં આપતા માજી સૈનિકે જમાવટ મીડિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે પોતાની માગ જમાવટ સામે જણાવતા કહ્યું હતું કે, "ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને એક આઈપીએસ અધિકારીને પણ રજૂઆત કર્યા બાદ પણ અનામતનો લાભ અપાયો ન હતો. અંતે અમે હાઈકોર્ટમાં અરજી કરી પોતાની વ્યથા હાઈકોર્ટને કહી ત્યારે હાઈકોર્ટે માજી સૈનિક એસોસિયેશનના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ પણ અનામત ન મળતા ગુજરાત સરકારનો સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુદ્દો ધ્યાનપૂર્વ સાંભળી સાંત્વના આપી હતી. પરંતુ ગુજરાત સરકારે માજી સૈનિકોના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કૉર્ટમાં પડકાર્યો છે. હવે અમે શું કરીએ?"
ગુજરાત સરકારથી કંટાળી માજી સૈનિકે વ્યથા ઠાલવતા જમાવટ મીડિયાને જણાવ્યું હતું કે, "આ સરકાર ગુજરાતના માજી સૈનિકોનું નથી ગાંઠતી તો સામાન્ય લોકોની શું હાલત હશે વિચારો જરા." ગુજરાત સરકાર માજી સૈનિકના મુદ્દા સમયાંતરે સાંભળતી સમાધાન લાવતી હોય છે પરંતુ આ સમયે માજી સૈનિક એસોસિયેશન લડી લેવાના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે