હિમાચલ પ્રદેશના શિમલામાં એક ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા રાજકીય ભૂકંપ મચી ગયો છે. ગત શનિવારે જ હિમાચલ પ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન થયું હતું અને આજે ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા હોબાળો મચી ગયો છે.
પોલિંગ પાર્ટીના સભ્યોને કર્યા સસ્પેન્ડ
હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને શિમલા જિલ્લાના રામપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાનગી વાહનમાં ઈવીએમ મશીન લઈ જવાના આક્ષેપ સાથે રોક્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ વાહન પકડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલિંગ પાર્ટી પર ઈવીએમ સાથે હસ્તક્ષેપ કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે પોલિંગ પાર્ટીના સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.
રિટર્નિંગ ઓફિસરે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મતદાન સંખ્યા 146 એક ખાનગી વાહનમાં ઈવીએમ/વીવીપેટ મશિન લઈ જઈ રહ્યા છે. આ આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે પોલિંગ પાર્ટીએ ધારા ધોરણોનું પાલન નથી કર્યું અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જે ગાડીમાં મશીન મળી આવ્યા હતા તે ગાડીના નંબર એચપી-03ડી-2023 હતા. જો કે EVMમાં છેડછાડ નથી કરવામાં આવી. અધિકારીઓએ ફરજમાંથી જલદી મુક્ત થવા માટે અને તાત્કાલિક મશીન જગ્યા પર પહોંચાડવા માટે ખાનગી ગાડીનો ઉપયોગ કર્યો હતો.