આપણે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે પ્રસાદના ભાગરૂપે શ્રીફળ આપણે અવશ્ય લઈને જતા હોઈએ છીએ. શ્રીફળને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. વૈભવ એટલે શ્રી. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. મંદિરમાં દેવ સમક્ષ નારિયેળ વધેરવામાં આવે છે. આપણે ત્યાં જ્યારે પણ કોઈ ધાર્મિક પસંગ થાય અથવા તો પૂજા હોય તે દરમિયાન બલિદાન આપવાની પરંપરા હોય છે. પશુઓની બલી ન આપવી પડે તે માટે વિશ્વામિત્ર ઋષિએ નારીયેળની બલીદાન આપવાનું સૂચન કર્યું. નાળિયેલનું પણ માથું હોય છે, મોઢું, ચોટલી, નાક હોય છે. જેને કારણે યજ્ઞમાં શ્રીફળ હોમાવાનું શરૂ થયું.
નારિયેળ એટલે કે શ્રીફળમાંથી આપણે સંદેશો લેવો જોઈએ. શ્રીફળ દરિયાકીનારે ઉગે છે. ખારા પાણીથી તેનું પોષણ થાય છે. પરંતુ સમુદ્રના પાણીની ખારાશ તેમાં આવતી નથી. શ્રીફળ આપણને તો ઠંડુ, મધુર પાણી, આપે છે. આપણે પણ શ્રીફળમાંથી એ ગુણ શીખવા જેવો છે. તમારી સાથે ગમે તેટલો કડવો અનુભવ થયો હોય પરંતુ સામે વાળી વ્યક્તિને હમેશાં મીઠા પાણીની જેમ મધુરતા આપો. ઉપરાંત શ્રીફળમાંથી બીજી શીખવા જેવી વસ્તુએ છે બહારથી ગમે તેટલા પણ કઠોર હોવ પરંતુ અંદરથી મુલાયામ રહેવું જોઈએ. સજ્જન લોકો બહારથી કઠોર હોય છે પરંતુ તેમનું દિલ અંદરથી કોમળ હોય છે.
શ્રીફળની મહત્તા સમજાવવા એક આખી પૂર્ણિમા તેને સમર્પિત કરી દેવામાં આવી છે. શ્રાવણ મહિનાની પૂનમને નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસથી માછીમારો અને દરિયાખેડૂઓ પોતાના રોજગારની શરૂઆત કરે છે. ખુશાલી માટે દરિયાદેવને શ્રીફળ અર્પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં શ્રીફળ રાખવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. નારીયેળ દ્વીપમાંથી આવતો હોવાથી તેને નાળીયેળ કહેવામાં આવે છે. .