ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કાલે જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે દરેક પક્ષ જીતવા માટે પૂરેપૂરી તૈયારીયો કરી રહ્યા છે . અત્યાર સુધી ધીરે ધીરે ઉમેદવારોની પસંદની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે હવે દરેક પક્ષ ઝડપથી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે . કાલે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારની યાદિ જાહેર કરી દીધી છે . બીજી બાજુ ગઈકાલે અમિત શાહની હાજરીમાં ભાજપના 47 ઉમેદવારો અંગે મંથન થયું હતું. જ્યારે આજે વધુ 58 ઉમેદવારો અંગે મંથન થશે. તે ઉપરાંત કોંગ્રેસમાં હજી પણ મામલો ગુંચવાયેલો છે. આજે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો અંગે મંથન થશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનું પણ આયોજન થઈ રહ્યુ છે. જ્યારે વડાપ્રધાન 6 નવેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે.
ભાજપ આજે 58 ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરશે !
ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની પહેલા દિવસની ચર્ચામાં 13 જેટલા જિલ્લાની ચર્ચા કરી ચૂક્યા છે જેમાં 48 બેઠકના ઉમેદવારોના નામ પર મંથન કર્યું છે . ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે બીજા દિવસે પણ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં 58 બેઠકોની ઉમેદવારો માટે મંથન કરવામાં આવશે. ગાંધીનગરની 5, મહેસાણાની 7, અમરેલીની 5 બેઠક, બોટાદની 2 બેઠકો, અમદાવાદમાં 5 બેઠક, ભાવનગરની 7, ખેડાની 6 બેઠકો, જામનગરની 5 બેઠક પંચમહાલની 5, નવસારીની 4, ભરૂચની 5 બેઠક માટે ચર્ચા થશે.
રાહુલ ગાંધી પણ નવેમ્બરમાં ગુજરાત પ્રવાસે !
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને હવે માહિતી મળી છે છે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે . રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને ગુજરાત કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. તેઓ નવમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવીને ચારથી પાંચ સભાઓ ગજવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. સુત્રોના મતે રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં સભાઓ સંબોધી શકે છે. તે ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે.
વડાપ્રધાન પણ આવશે ગુજરાત !
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 6 નવેમ્બરના રોજ ગુજરાત આવવાના છે . આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મોરબીની દુર્ઘટના બાદ PM મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી.ચૂંટણી જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે. જેમાં પીએમ મોદી ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સુરેન્દ્રનગર અને વલસાડમાં સભા સંબોધશે.
AAPનો CM ચેહરો આજે જાહેર થશે ..
આજે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે અને આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી CM ચેહરાની જાહેરાત કરશે . આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું હતુ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જનતાના મતથી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવ્યો છે.બીજી તરફ આપ પાર્ટી ચૂંટણી જાહેર થયા બાદ વધુ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કલોલ-ગાંધીનગરથી કાંતીજી ઠાકોર અને દરિયાપુરથી તાજ કુરેશીને ટિકિટ આપી છે. ડિસેમ્બર મહિનાની સંભવિત ચૂંટણીના એક મહિના અગાઉ આજે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની યાદી સાથે નવમું લિસ્ટ બહાર પાડ્યું છે. આ નવી યાદી સાથે AAPએ વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 118 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. AAP તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે.