વાત તો તમારી સાચી, સરકાર શું કરે બિચારી..?
મોરબીમાં જે હોનારત બની હતી તેમાં જવાબદાર કોણ હતા? જવાબ હશે પુલ પર ઝુલવા ગયેલા લોકો... જો તક્ષશીલા ઘટના માટે આ પ્રશ્ન પૂછાય તો કહેવાશે કે ધાબે, ટ્યુશન પર ગયેલા બાળકો. હોસ્પિટલમાં રાખવામાં આવેલી બેદરકારી માટે જવાબદાર કોણ ? તો જવાબ હશે જીવનની આશાએ ગયેલા દર્દીઓ... આ બધામાં સરકાર શું કરે બિચારી? વડોદરામાં જે દુર્ઘટના બની તેમાં બહુ બહુ તો શાળા, શિક્ષક અને કોન્ટ્રાક્ટર જવાબદાર... પણ સરકાર તો શું કરે બિચારી? સરકાર તો બિચારી.... હપ્તા ના લે તો પેટ કેમનું ભરાય?
કેટલાક તથ્યો ઘટનાને લઈ તમને કહેવા છે....
બિચારી સરકારની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વડોદરાની કરૂણાંતિકામાં અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આમાં સરકાર તો બિચારી શું કરે? અને એટલે જ આ પ્રશ્નના જવાબમાં અમારા કેટલાક તથ્યો તમને કહેવા છે.
જે જગ્યા પર હોનારત સર્જાઈ છે એ હરણી લેકનું માસિક ભાડું માત્ર 28000 હતું. 28000 રૂપિયાનું ભાડું અને લાખોની કોન્ટ્રાક્ટરની કમાણી... પણ સરકાર શું કરે બિચારી? 2-2 વર્ષથી ફરીયાદો થતી કે કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી, કોક દિવસ લોકો મરશે... પણ કોઈ પગલા ના લેવાયા... કેમ? કેમ કે સરકાર તો શું કરે બિચારી? ફરિયાદો થયા બાદ પણ કોઈ પગલા ના લેવાય અને કોઈ મરે તો આપણી બિચારી સરકાર સાંત્વના અને સહાય ચૂકવી પોતાની ફરજ પૂરી તો કરે છે..
આપણે જ બાળકોને શીખવાડવું પડશે કે ભીડનો હિસ્સો ન બનાય
સરકાર તો બિચારી છે અને કદાચ બિચારી જ રહેશે. પરંતુ જનતા કેમ નિર્માલ્ય બની રહી છે? આપણે કેમ ભીડનો હિસ્સો બનવા માટે બાળકોને પ્રેરણા આપીએ છીએ? તમારી, તમારા બાળકોના જીવની કદાચ સરકારને પરવા નથી ત્યારે આપણે જાતે જ શીખવું પડશે કે ભીડનો હિસ્સો ન બનાય... ભીડનો હિસ્સો ના બનવું હોય તો પ્રશ્ન અને તર્ક કરતા નાગરિક બનવું પડશે.. ખોટાને ખોટું કહેતા શીખવું પડશે...એ પછી બેટ દ્વારકાનું બોટીંગ હોય, વૉટર એક્ટિવીટી હોય, કોઈ પણ રાઈડમાં બેસવાનું હોય ત્યારે પ્રશ્ન કરવા પડશે અને તપાસ કરવી પડશે કે બધું બરાબર છે કે નહીં? આપણે પ્રશ્ન કરવાનું જ ભૂલી ગયા છીએ એટલે જ આવી ઘટનાઓ બને છે..
હપ્તાખોરીને કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો સરકાર શું કરે બિચારી?
જે લેકમાં આ ઘટના સર્જાઈ છે તેને બનાવવાનો ખર્ચ માત્ર 5 કરોડ જેટલો જ થયો છે. એવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જેમને આ અંગેનો કોઈ અનુભવ જ ન હતો. 2016માં અનુભવ નથી તેમ કહીને કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવ્યો હતો અને પછી તે જ કંપનીને પ્રોજેક્ટ આપવામાં આવ્યો.. હપ્તાખોરીને કારણે એક મોટી દુર્ઘટના સર્જાય છે તેમાં સરકાર શું કરે બિચારી? પૈસા કમાવવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવતા આવા કોન્ટ્રાક્ટરો બેફામ બની જાય ત્યારે સરકાર શું કરે બિચારી? એન્ટ્રી ફી, બોટિંગ ફી, એમ્યુનિટી ફીથી પૈસા ઉઘરાવવામાં તો પાછા નથી પડતા પરંતુ તે સેફ્ટી અંગેની વાત આવે ત્યારે ? ત્યારે આવું બધુ થોડી વિચારવાનું હોય, હપ્તા આપીને છૂટી જવાનું હોય.
આપણા જીવનની જવાબદારી તો આપણે જ લેવી પડશે કારણ કે...
સેફ્ટી જેવી તુચ્છ બાબતો પર સરકાર ધ્યાન આપી શકે એટલો સમય ક્યાંથી હોય! એમને તો વિપક્ષના ધારાસભ્યો કેવી રીતે તોડવા એનું મંથન પણ કરવાનું હોય ને... !આટલું બધું વિચારવાનું હોય તો પછી આ નાના ભૂલકાઓની સેફ્ટી પર સરકાર થોડી ધ્યાન આપી શકે! ત્યારે બિચારી સરકાર તો આપણી સુરક્ષામાં કંઈ નથી કરવાની, અને કદાચ હજુ પણ નથી કરી શકવાની કારણ કે એમની પાસે કરવા માટે બીજા મહત્વના કામો છે.. ! ત્યારે આપણે આપણી ફરજ સમજી આપણે અને આપણા બાળકોને શીખવું પડશે કે સેફ્ટીનું શું મહત્વ છે? વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરતા શીખવાડો, બોટિંગ કરતી વખતે સેફ્ટી જેકેટ શું કામ પહેરવા જોઈએ તે સમજાવો. કારણ કે આપણા જીવનની સુરક્ષાની જવાબદારી આપણે તો લેવી જ પડશે.. આપણાથી એ નહીં કહી શકાય કે મા-બાપ બિચારા શું કરે?