ગુજરાતમાં એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. અનેક આંદોલનકારીઓ પોતાની માગ સાથે સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. અનેક આંદોલનો સમેટાઈ ગયા છે. ત્યારે રાજ્યના ગૌ-સંચાલકોએ સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂપિયા 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા સહાય હજી સુધી ન મળતા ગૌસંચાલકોએ ગાયોને છોડી મૂકી.
ગૌમાતાને રસ્તા પર છોડી નોંધાવ્યો વિરોધ
ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દીધી હતી. થરાદના 92 જેટલી ગૌશાળા સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દેતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. ઉપરાંત બનાસકાંઠામાં પણ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પણ પશુઓને સરકારી કચેરીમાં છોડી મુકવાની ચીમકી આપી હતી. ડીસામાં પણ આવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે બાદ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યા હતા. પશુઓ સરકારી કચેરી સુધી ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લાખણી તાલુકામાં પણ ગાયોને રસ્તા પર છોડી દેવામાં આવી હતી.
ગૌ-સંચાલકોમાં ભારે રોષ
હજી સુધી સરકાર દ્વારા સહાય ન મળતા પાંજરાપોળ અને ગૌસંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 500 કરોડના સહાયની જાહેરાત બાદ પણ તેની અમલવારી ન થતાં પશુઓને સરકારી કચેરી તરફ છોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી
બે હજારથી વધારે ગાયોને સરકારી કચેરી તરફ છોડી ગૌ-સંચાલકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પર ગાયો આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. 500 કરોડની ચૂકવણી વહેલી તકે કરવામાં આવે તેવી પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકોની માગ છે. સહાય નહીં મળે તે માટે લડત ચાલુ રાખવાની ચિમકી તેમણે ઉચ્ચારી હતી.